દે.બારીઆ,દે.બારીઆ તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત કામોની વહીવટી મંજુરી માટે નકકી કરેલા રૂપિયા આપવા પડે છે અને જો કોઈ સરપંચ આ કામોની મંજુરી માટે રૂપિયા ના આપે તો ફાઈલો અભરાઈએ ચડાવી દેવાતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક સરપંચોમાં છુપો રોષ જોવા મળે છે.
દે.બારીઆ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કેટલ શેડ, માટી મેટલ રોડ, સીસી રોડ, પથ્થર પાળા, નાળા પ્લગ, વનીકરણ, ચેકવોલ, કુવા જેવા અનેક કામો ગ્રામ પંચાયતો દ્વારા કરાઈ રહ્યા છે. જે માટે જે તે સરપંચ દ્વારા પ્રથમ આ કામોની વહીવટી મંજુરી માંગવાની હોય છે. અને તેના માટે ફોર્મ ભરી ગ્રામ પંચાયતના ઠરાવ સાથેની કામોની યાદી આપવાની હોય છે. જેમાં અલગ અલગ કામની ફાઈલ મંજુર કરાવવા માટે રૂ.8 હજારથી લઈ 45 હજાર સુધીનો વહીવટ તાલુકાના આસિસ્ટન્ટ ટેકનીકલોની કરવો પડતો હોવાના તેમજ જો વ્યવહાર કરવામાં ન આવે તો કોઈપણ બહાને ફાઈલો અટવાવી દેવાતી હોવાના તેમજ કામ મંજુર થઈ જાય તો કામ પુર્ણ થયા બાદ બિલ મંજુર કરવા માટે પણ રૂપિયાની માંગણી કરાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેને લઈને સરપંચોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે હાલમાં સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં જ મુકાયેલો મેસેજ વાયરલ થતાં આ મામલે તપાસની માંગ કરાઈ છે.