દે.બારીઆ,દે.બારીઆ તાલુકામાં ખેડુતો રાસાયણિક ખાતરનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં રાસાયણિક ખાતરો જેવા કે, ડીએપી અને યુરિયા દે.બારીઆ શહેરમાં ખેડુતો પાસે ઉંચા ભાવ વસુલ કરી ખેડુતોનુ શોષણ થઈ રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
દે.બારીઆ શહેરમાં આવેલ ડેપોમાં પણ રાસાયણિક ખાતર સમયે મળતુ નથી. ત્યારે ખાનગી દુકાનદારો ખેડુતો પાસે હાલમાં ઉંચા ભાવ વસુલ કરી ખાતરનુ વેચાણ કરી રહ્યા છે. વેપારીઓ ઓછા ભાવે ખરીદી કરી પોતાની દુકાનમાં અથવા ગોડાઉનમાં ખાતરના જથ્થાનો સંગ્રહ કરી હાલ ખેડુતો પાસે મોં માંગ્યા ભાવે ખાતરનુ વેચાણ કરતા હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.દે.બારીઆ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના દુકાનમાં અન્ય બહાર ગામના કોઈ મંડળ અથવા ટ્રસ્ટના નોંધણી નંબર ઉપર ખાતરનુ લાયસન્સ મેળવી ધંધો કરતા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જે તે મંડળ અથવા ટ્રસ્ટના નામ ઉપર લાયસન્સ મેળવી ધંધો કરનાર વેપારીઓની ખાતરની ખરીદી, વેચાણ, સ્ટોકપત્રક અને ખાતરના મુકરર કરેલા ભાવનુ કોઈ ભાવપત્રક પણ દુકાનોમાં જોવા મળતુ નથી. આમ દે.બારીઆ શહેરમાં રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત વેપારીઓ ઉભી કરી ખેડુતો પાસેથી ઉંચા ભાવ વસુલતા હોવાની વ્યાપક બુમો ખેડુતો દ્વારા ઉઠવા પામી છે. જેથી તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલા ભરાય તે જરૂરી બન્યુ છે.