દે.બારીઆ, દે.બારીઆ તાલુકા મથકે આવેલી સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કલાર્ક તરીકે ખાનગી એજન્સી મારફતે મેહુલ એ.પરમાર નામની વ્યકિત હોસ્પિટલ ખાતે ફરજ બજાવવા માટે ઓર્ડર અપાયો હતો. પરંતુ હમણા તાજેતરમાં આ સરકારી દવાખાનામાં આઉટ સોર્સિંગ કલાર્ક તરીકે નોકરી મેળવનાર મેહુલ પરમારની જગ્યાએ દરરોજ બાબુભાઈ બી.પરમાર નામની વ્યકિત દૈનિક હાજરીપત્રકમાં સહી કરી ઓફિસમાં કલાર્કને લગતી તમામ કામગીરી પણ આ બાબુ પરમાર નામનો શખ્સ કરી રહ્યો હતો. આ ડમી કોૈભાંડ બહાર આવ્યુ હતુ.
દે.બારીઆની સરકારી હોસ્પિટલમાં આ અંગે જવાબદારો દ્વારા તપાસ કરતા કલાર્ક તરીકે ફરજ બજાવનાર મેહુલ એ. પરમાર કોણ છે. અને કયાંનો છે અને કયારે હોસ્પિટલમાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરી અને સ્ટાફ દ્વારા સમુહમાં લેખિત નિવેદનમાં જણાવ્યુ હતુ કે,અમો આ મેહુલ પરમારને ઓળખતા નથી. અને રજીસ્ટરમાં બાબુ પરમાર આ મેહુલ પરમારની જગ્યાએ પોતાની સહી કરી આખો દિવસ ફરજ બજાવે છે. સરકારી દવાખાનાના સ્ટાફગણને જો ખબર હતી કે, મેહુલ એ.પરમાર નામની કોઈ વ્યકિત અહિંયા ફરજ બજાવતી નથી અને તેની જગ્યાએ બાબુ પરમાર ફરજ બજાવે છે. તો પછી તે સમયના હોસ્પિટલના અધિક્ષકને કેમ ખબર ન પડી. જો ખબર પડી હોત તો કયાં કારણોસર પોલીસમાં ફરિયાદ નહિ નોંધાવી ડમી કલાર્કને નોકરી ઉપર ચાલુ રાખવામાં આવ્યો હતો. જયારથી ખાનગી એજન્સીએ કલાર્ક તરીકે દે.બારીઆ સરકારી હોસ્પિટલમાં મેહુલ પરમારને નિમણુંક આપી તે પછી મેહુલ પરમારે આજદિન સુધી કોઈ બીજી અન્ય જગ્યાએ નોકરી કરી વેતન મેળવ્યુ છે કે કેમ ? આ પણ તપાસ થવુ જોઈએ. દે.બારીઆ સરકારી હોસ્પિટલના જવાબદાર વહીવટી તંત્રને મેહુલ પરમારની જગ્યાએ ડમી કલાર્ક કામગીરી કરી રહ્યો છે તેવુ ઘ્યાનમાં આવતા મેહુલ પરમારને તા.03/06/2023ના રોજથી કચેરી સમય બાદથી છુટા કરવામાં આવેલ છે. તો આ બાબત શરૂઆતમાં કેમ ઘ્યાનમાં નહિ લેવામાં આવી કે, આ બાબુ પરમાર ખોટી સહીઓ કરી નોકરી કરે છે. આ અંગે સંલગ્ન ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે ખાતાકિય જરૂરી તટસ્થ તપાસ કરી ડમી કલાર્ક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી સરકારમાંથી લીધેલ વેતન સહિતના અન્ય લાભોની રિકવરી કરવુ જોઈએ તેવી ચર્ચાઓ ઉઠી છે.