દે.બારીયાના સાગટાળા પરીક્ષા કેન્દ્ર ખાતે ધો.12ની પરીક્ષામાં ત્રણ કોપી કેસ નોંધાયા

દાહોદ,

દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. ત્યારે આજરોજ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ 12માં ત્રણ કોપી કેસના બનાવો નોંધાંવા પામ્યાં છે.

દાહોદ જિલ્લામાં ગતરોજ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. પ્રથમ પેપરના દિવસે કોઈ કોપી કેસ ન બનતાં તંત્રએ હાશકારો લીધો હતો. ત્યારે આજરોજ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પરીક્ષા કેન્દ્રના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાત કુંડા બિલ્ડીંગમાં કુલ ત્રણ કોપી કેસના બનાવો નોંધાંતાં દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દાહોદ જિલ્લામાં હાલ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે તેમજ બિલ્ડીંગો ખાતે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે.