દે.બારીયા તાલુકામાં ખાનગી લેબોરેટરીઓમાં દર્દીઓનું થતું શોષણ : લેબ રિપોર્ટમાં ડોકટરોને વધારે અનુકૂળતા


દાહોદ,
દેવગઢ બારીયા તાલુકા મથકે સરકાર તરફથી અદ્યતન સુવિધા સાથેની સરકારી હોસ્પિટલ દર્દીઓની મફત સેવા માટે વર્ષોથી તો ઠીક પણ અંગ્રેજ સાશનના સમય થી શરૂ કરવામાં આવેલ છે. ગામડામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. છતાંય પણ દર્દીઓ હજુ સરકારની મફત સેવાનો લાભ લેવાના બદલે ખાનગી દવાખાનામાં ઊંચી ફી ચૂકવી અને દવા સારવાર કરાવતા હોય છે.

હમણાં થોડા દિવસો થી પીપલોદ અને દેવગઢ બારીયા શહેર સહીત ગામડામાં વાઇરલ રોગોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ક્યાંક ડેન્ગયુ જેવા તાવની અસરમાં દર્દીઓ દવાખાને સારવાર લઈ રહ્યા છે. સરકારી દવાખાને દર્દીઓ સારવાર કરાવવાનું છોડીને ખાનગી દવાખાને જતા હોય છે. પીપલોદ અને દેવગઢ બારીયા શહેરમાં મોટા ભાગના ડોક્ટર તેમના દવાખાને આવતા દર્દીને ચેકઅપ કરી તરતજ લેબોરેટરી રિપોર્ટ કઢાવવા માટે સૂચન કરતા હોય છે. દર્દી પોતે બીમાર હોય વહેલા તબિયતમાં સુધારો થાય તો સારૂ તેમ કરીને લેબોરેટરી રિપોર્ટ કઢાવવા માટે તૈયારી બતાવતા હોય છે અને ડોક્ટર પોતાના માણીતા લેબોરેટરી વાળાને ફોન કરી દર્દીના સેમ્પલ લેવા માટે દવાખાને બોલાવી લેતા હોય છે. લેબોરેટરી આસિસ્ટન્ટ દર્દીનું સેમ્પલ લઈ તરતજ લેબોરેટરી રિપોર્ટની ચકાસણી ફી પણ ઊંચી લેતા હોય છે. જેનું મુખ્ય કારણ જેતે ડોક્ટરનું લેબોરેટરીવાળા પાસે 40% જેટલું કમિશન નકકી કરેલું હોવાની ખાનગી માહિતી જાણવા મળી છે. કેટલાક સંજોગોમાં રિપોર્ટની જરૂરિયાત નહીં હોવા છતાંય પણ ડોક્ટર પોતાનું કમિશન મળશે તેવા આશયે દર્દીનો મેડિકલ લેબોરેટરી રિપોર્ટ બનાવી દેતા હોય છે. પીપલોદ અને દેવગઢ બારીયામાં મોટાભાગના ખાનગી દવાખાનામાં હવે દર્દીનું ફરજીયાત લેબોરેટરી રિપોર્ટ કરાવવું બની ગયું છે. વર્ષો પહેલા દેવગઢ બારીયામાં કોઇ લેબોરેટરી હતી નહીં તે સમયે પણ દેવગઢ બારીયામાં ખાનગી દવાખાના હતા અને આજે પણ તેમાના સિનિયર ડોક્ટર હજુ હાજર છે. દર્દીની હાથની નાડી તપાસી અને રોગના લક્ષણો તથા દર્દીના ખોરાક વિશે જાણી લઈ તેઓ કોઇ લેબોરેટરી કરાવ્યા વગર ઓછી ફી દર્દી પાસે લઈ દવા સારવાર કરતા હતા. જે જગ જાહેર છે.

આમ, દેવગઢ બારીયા તાલુકામાં ખાનગી દવાખાનામાં સારવાર લેવા આવતા દર્દીઓનું ડોક્ટર દ્વારા ઘણીવાર બિનજરૂરી લેબોરેટરી રિપોર્ટ કઢાવી ગામડાના દર્દીઓનું આર્થિક શોષણ થઇ રહ્યું છે.