દે.બારીયા પીપલોદ છોટાઉદેપુર જતો સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં વાહન ચાલકને પડતી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે : જવાબદાર તંત્ર ક્યારે જાગશે

  • દેવગઢ બારીયા શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઇવેની દશા અને દુર્દશા : જવાબદાર તંત્રની રીપેરીંગ કામગીરી માટે અનઉપેક્ષા.

દાહોદ,

દેવગઢ બારીયા નગરના રોડ મોટા મોટા ખાડા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન તેઓની પરેશાની દૂર કોણ કરશે ?.. વાત કરવામાં આવે તો ભાજપાની સરકારમાં રોડ રસ્તા અને પાણીની સુવિધા માટે લાખ્ખો નહી પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. પરંતુ જવાબદાર તંત્રના આંધળા વહીવટના કારણે જનતાને દુ:ખ વેઠવું પડતું હોય છે. દેવગઢબારીયા શહેરમાં સ્ટેટ હાઇવે રોડ પસાર થાય છે અને આ સ્ટેટ હાઇવે રોડ પીપલોદ થઈ દેવગઢબારીયા અને છોટાઉદેપુર સુધી મુખ્ય માર્ગ તરીકે વાહન વ્યવહાર સેવા માટે ઉપલબ્ધ છે. આ સ્ટેટ હાઇવે ડામર રોડથી બનેલ છે. પરંતુ દેવગઢબારીયા શહેરમાં પ્રવેશ થતા આર.સી.સી. રોડ બનાવવામાં આવેલ છે. નગરના રાજપથ કહી શકાય એવા આ રોડનુ હલકી ગુણવતાવાળું મટીરીયલ વાપરી આર.સી.સી. રોડ કરોડો રૂપિયાના ખર્ચમાં બનાવી દેવામાં આવેલ છે. રોડ તૂટી જતા આ રોડ ઉપર મસમોટા ખાડા પડી જતા જવાબદાર તંત્રએ પોતાની પોલ છુપાવવા માટે રોડ ઉપર ક્યાંકને ક્યાંક ડામર પાથરી અને પડેલા મોટા ખાડાઓમાં આર.સી.સી. માલ નાંખી રોડનું સમારકામ કરી દેવાયું હતું. જે વાત જગજાહેર છે. દેવગઢ બારીયા નગર માંથી પસાર થતા આ સ્ટેટ હાઇવેની જવાબદારી પાલિકાની રહેતી નથી. પાલિકા વિસ્તારના ભેદરવાજાથી લઈને પીપલોદ રોડ જુના જકાતનાકા સુધીનો સ્ટેટ હાઇવે તંત્રની નિષ્કાળજી ના કારણે ખખડધજ દશામાં જોવાઈ રહ્યો છે. દિવસ રાત પસાર થતી ઓવરલોડ ગાડીઓના કારણે પણ આ રોડ તૂટી ગયો હોવાનું અનુમાન લોકો જણાવી રહ્યા છે. તૂટી ગયેલા આ રોડ ઉપર મોટા મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ઘણી મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બોક્સ :-

દેવગઢ બારીયા શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડનું રીપેરીંગ સંલગ્ન ખાતાના જવાબદાર અધિકારીઓ વહેલી તકે કરે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. તો સ્તવરે લાગતા વળગતા અધીકારીઓ આ રોડનું પેચિંગ કામ કરે તેવું ઈચ્છી રહ્યા છે. કારણ કે, મોટા અકસ્માત માંથી જનતાને બચાવે તે જરૂરી છે.