દે.બારીઆ પાલિકાનુ વીજ બિલ લાખો રૂપિયા બાકી હોવા છતાં નગરના અનેક વિસ્તારોમાં દિવસે પણ લાઈટો ચાલુ

દે.બારીઆ : દેે.બારીઆ નગરપાલિકાના વીજ બિલના લાખો રૂપિયા બાકી હોવા છતાં પાલિકા તંત્ર આ બાબતે ધોર બેદરકારી દાખવી રહ્યુ હોય તેમ નગરના કેટલા વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળે છે. જયારે વારંવાર વીજ કાપથી નગરજનોને અંધારામાં રહેવાની ફરજ પડે છે.

દે.બારીઆ નગરમાં લાખો રૂપિયાના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટો તેમજ હાઈમાસ્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ પાલિકાની ધોર બેદરકારીના કારણે નગરના કેટલાય વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો અને હાઈમાસ્ટ ચાલુ જોવા મળે છે.નગરના કેટલાય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ચાલુ કરાતી સ્ટ્રીટ લાઈટો બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેતી જોવા મળે છે. જેને બંધ કરવાની કોઈની જવાબદારી જ નથી. જેને લઈને પાલિકા પર વીજ બિલનુ ભારણ વધી રહ્યુ છે. હાલ પાલિકાનુ લાખો રૂપિયાનુ વીજ બિલ બાકી બોલે છે. જેને લઈ અગાઉ વીજ કંપની દ્વારા કેટલીક સ્ટ્રીટ લાઈટોના કનેકશન કાપી નાંખવામાં આવ્યા હતા. પાલિકામાં હાલ ચીફ ઓફિસર ચાર્જમાં છે. પ્રમુખની મુદ્દત પુર્ણ થતાં વહીવટદાર તરીકે મામલતદારને હવાલો સોંપાયો હોય પાલિકા જાણે ધણી ધોરી વિનાની બની ગઈ હોય તેવી હાલત જોવા મળે છે. ત્યારે વહીવટી અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સાથે બાકી વીજ બિલ બાબતે વીજ કંપની દ્વારા પાલિકા પાસેથી પેનલ્ટી વસુલ કરાતી હોય છે જેના કારણે પાલિકા પર વધારાનુ ભારણ આવે છે તો આ પેનલ્ટી કોના કારણે વધી રહી છે તેની તપાસ પણ કરવા માંગ કરાઈ છે.