દે.બારીઆ નગરની જુની રાણા શેરીમાં આવેલુ એક બંધ મકાન ધરાશાઈ થતાં નજીકમાં રહેતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી હતી.
દે.બારીઆ નગરના જુની રાણા શેરીમાં શાંતાબેન નાનાલાલ રાણાના નામે એક કાચુ પતરાવાળુ મકાન આવેલુ છે. જે મકાન જુનુ મકાન હોય અને મકાન માલિક હાલ હાલોલ ખાતે રહેતા હોય મકાનમાં તેમનો ભત્રીજો રહે છે. પરંતુ મકાન જર્જરિત થઈ ગયુ હોય વધુ વરસાદના કારણે ભારે ધોવાણ થતાં બપોરના સમયે એકાએક મકાન ધરાશાઈ થઈ તુટી પડ્યુ હતુ. મકાન તુટી પડવાના અને કાટમાળ પડવાના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદ્ભાગ્યે આ મકાન બંધ હોય અને મકાનમાં કોઈ હાજર નહિ હોવાના કારણે જાનહાનિ થવા પામી ન હતી. જયારે મકાન ધરાશાઈ થવાની ધટના છતાં પાલિકા તંત્ર દ્વારા તેની નોંધ સુદ્ધા લેવાઈ નથી. ત્યારે નગરમાં કેટલાક જર્જરિત મકાનો સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.