દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના મોટીઝરી ગામ ખાતે ગત તા.3 એપ્રિલના રોજ મોટીઝરી ગામના તળાવ પાસે આવેલ અશોક દશરથ પટેલના ખેતરમા આવેલ પાણીના કુવામાંથી વહેલી સવારના સમયે એક અજાણી યુવતીની લાશ મળી આવતા તે અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ધટના સ્થળે આવી પહોંચી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પી.એમ.અર્થે દાહોદની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મરણ જનાર યુવતી કયા ગામની છે ? અહિં કેવી રીતે પહોંચી ? તેને આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓ ઉપર પીપલોદ પોલીસ મથક છેલ્લા ત્રણ મહિનાથી તપાસ કરી રહી છે. મોટીઝરી ગામ સહિત અન્ય ગામડાઓમાં પણ ખાનગી તપાસ હાલમાં ચાલુ છે. પરંતુ કોઈ વાલીવારસો હજુ પોલીસને મળ્યા નથી. લાશના કપડા ઉપરથી પણ કોઈ ઓળખ છતી થઈ ન હતી. જંગલ વિસ્તારમાં આવેલ તળાવ પાસેના નિર્જન જંગલવાળા ખેતરના કુવામાં યુવતીની લાશ મળતા અનેક તર્કવિતર્ક હાલ ગામમાં થઈ રહ્યા છે. આ બનાવને ત્રણ મહિના થયા પરંતુ યુવતીની ઓળખ અને મોતનુ રહસ્ય હજુપણ અકબંધ છે.