દાહોદ , દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના કાળીડુંગરી ગામના ઝોરા ફળિયામાં રહેતી 21 વર્ષીય યુવતીને કોઈ કારણસર મનમાં લાગી આવતા તેણીએ ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરી મોત વહાલું કરી લીધાની ધોળે દહાડે બનેલી ઘટનાના પગલે દેવગઢ બારીયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામના ઝોરા ફળિયામાં રહેતા 40 વર્ષીય ગુલાબભાઈ રૂમાલભાઈ પટેલની દીકરી 21 વર્ષીય સુમિત્રાબેનને કોઈ અગમ્ય કારણસર મનમાં લાગી આવતા તેણીએ ગઈકાલે સવારે 11:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા દરમિયાનના ત્રણ કલાકના સમયગાળામાં પોતાના જ ઘરમાં ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરતા આખા શરીરમાં ઝેરી દવાનુ ઝેર પ્રસરી જતા તેણીને સારવાર માટે દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવે તે પહેલા જ તેનું પોતાના ઘરે જ મોત નીપજ્યું હતું.
આ સંબંધે કાળીડુંગરી ગામના મરણજનાર સુમિત્રાબેનના પિતા ગુલાબભાઈ રૂમાલભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસને જાણ કરતા આ સંદર્ભે પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.