દે.બારીયા તાલુકાની જનતાનો સળગતો પ્રશ્ર્ન : નલ સે જલ યોજનાની અધૂરી કામગીરી

  • નલ સે જલ યોજનાની ચાલતી વેઠ ઉતાર કામગીરીમાં લોકોના ઘરે પાણી નથી પહોંચ્યું જનતાની મોટી ફરિયાદ હવે કોણ સાંભળે.. ?
  • ખાનગી એજન્સી ના સંચાલકો ગ્રામપંચાયત પાસેથી લાખ્ખો રૂપિયા ના ચેક લઈ ગયા પણ કામગીરી અધૂરી.

દાહોદ,

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકા સહીત દરેક તાલુકામાં લોકોને ઘરે બેઠા પાણી આપવાની સરકાર ની નલ સે જલ યોજનાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી પણ તેનું કોઇ નક્કર પરિણામ હજુ દેવગઢ બારીયા તાલુકાની જનતાને મળ્યું નથી. ખાસ કરીને દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ વિસ્તારના ગામોમાં નલ સે જલ યોજનાનું કામ અધૂરૂં પડ્યું છે અને ખેડૂતોના ખેતરોમાં પાઈપ લાઇન નાખવા માટે ખોદકામ કરી ઉતાવળમાં પાઇપો નાખીને ખેતરમાં ખેડૂતોનું મોટુ નુકશાન પણ ઘણી જગ્યા એ થયેલું જોવા મળી રહ્યું છે. જે કામગીરી હજુપણ અધૂરી હોય ગામડામાં લોકોના ઘરે પાણી આવતું નથી. ખાનગી એજન્સીની વેઠ ઉતાર કામગીરીના પ્રતાપે આજે જનતાને પીવાના પાણી માટે ક્યારેક અન્ય જગ્યા એ હેન્ડપંપ અથવા કુવા ઉપર જવુ પડતું હોય છે. દેવગઢ બારીયા તાલુકાના અસાયડી, પીપલોદ, મોટીઝરી, સાલિયા, નાનીઝરી, રેબારી, કાળીયાગોટા, રામા, ભથવાડા, વાડોદર સહીત ના બીજાં નજીકનાં ગામડામાં પણ સરકારની આ કરોડો રૂપિયાની નલ સે જલ યોજનાનો કોઇ ફાયદો જણાતો નથી. કારણ કે, પાણી કોઇ ઘરે આવતું નથી. ગ્રામ પંચાયતના તલાટીઓ અને સરપંચ કામગીરીની તપાસ કર્યા વગર એજન્સીના નામના લાખ્ખો રૂપિયાના ચેક આપી દેવામાં આવ્યા, તે પણ વિચારવા જેવી વાત છે. ગામડાની દરેક ગ્રામ પંચાયત વિસ્તારની પ્રજા માટે સરકારના લાખ્ખો રૂપિયા પીવાના પાણી માટે ફાળવ્યા તે રૂપિયાનો ખોટો વ્યય ઉપરી અધિકારીઓ પણ જોઈ શકતા નથી.

આમ, દેવગઢ બારીયા તાલુકામાં સરકારની ઘરે ઘરે પીવાનું પાણી આપવાની નલ સે જલ યોજનાની અધૂરી કામગીરી પુરી કરી ગ્રામ્ય જનતાના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી ગ્રામ્ય જનતાની બુલંદ માંગ છે.