દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ પર એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.27,000ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં વિસ્તારમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ગત તા.29મી જુનના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ નગરમાં ધાનપુર રોડ પર ફોરેસ્ટ નાકાની સામે રહેતાં શેહબાજ સલીમ મન્સુરીને તસ્કરોએ નિશાન બનાવી મકાનની ઉપર બનાવેલ પ્રથમ માળે આવેલ રૂમના લોખંડના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાં મુકી રાખેલ લોકર તોડી અંદરથી એક જોડ સોનાની બુટ્ટી કિંમત રૂા.20,000 તેમજ રોકડા રૂપીયા 7,000 મળી કુલ રૂા.27,000ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં.
આ સંબંધે શેહબાજ સલીમ મન્સુરીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.