દાહોદ, દે.બારીઆ નગરમાં 70 વર્ષ કરતા વધુ સમયથી નાગરિક સહકારી બેંક ચાલી રહી છે. બેંકની સ્થાપના 1951માં થઈ હતી. આ બેંકની હાલમાં દે.બારીઆ, પીપલોદ અને લીમખેડા સહિત ત્રણ બ્રાંચ કાર્યરત છે. આ સહકારી બેંકની શાખ અને ધિરાણ ખુબ સારૂ છે. પરંતુ વર્ષોથી બેંકમાં ચુંટણી પ્રક્રિયા બેંક મેનેજર દ્વારા ખાનાપુર્તિ કરતા એકના એક ડિરેકટર છેલ્લા 15 વર્ષથી હોવાની ફરિયાદ દે.બારીઆના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રિઝર્વ બેંકમાં કરવામાં આવી હતી. જેથી રિઝર્વ બેંકના સહાયક મહા પ્રબંધક દ્વારા 8 વર્ષથી વધુ સમયના ડિરેકટરોને દુર કરવાની સુચના દેવગઢ નાગરિક બેંકના મેનેજરને આપવામાં આવી હતી. તેમ છતાં બેંકના બોર્ડ દ્વારા માત્ર ત્રણ ડિરેકટરના રાજીનામાં લીધા હોવાનુ માહિતી મળી છે. બાકીના ડિરેકટરોના સભ્યપદ રદ્દ નહિ કરવામાં રિઝર્વ બેંકની સુચનાનુ ઉલ્લંધન કર્યુ છે.