- દેવગઢ બારીયા નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં ઊગતું ઝડપાયું.
દે.બારીયા, દેવગઢ બારીયા નગરમાં આવેલ માનસરોવર તળાવ જેને મોટા તળાવ તરીકે ઓળખવામાં આવે જેમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગટર લાઇન બનાવવામાં આવી છે. જે ગટર લાઇન વરસાદી પાણીના નિકાલ માટે બનાવી હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તેમજ સ્વાગત સ્કૂલ અને તેની આસપાસ રહેતાં મકાનોવાળા દ્વારા ગંદા પાણીના કનેક્શનો આપી દેવામાં આવ્યા છે. જેના થકી ગંદુ પાણી મોટા તળાવના પાણીમાં ભેળસેળ થાય છે. જે તળાવ વર્ષો જુનુ રાજા રજવાડાઓના હાથે બનાવવામાં આવેલ છે. જે તળાવના પાણીથી લોકો જે તે સમયે પીવાનો પણ ઉપયોગ કરતાં હતાં અને હાલ પીવાના પાણીની સુવિધા મળતા હાલ તે પાણીનો ઉપયોગ પાલતુ જાનવરોને પીવા તેમજ લોકો કપડાં ધોવા અને નહાવાનો પણ ઉપયોગ કરતાં હોય છે. વધુમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સબધીઓ પણ આ તળાવમાં કપડા ધોવા અને ન્હાવા માટે આવતા હોય છે. તેવા તળાવના ચોખ્ખા પાણીમાં ભેળસેળ થાય છે. જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર રજુઆતો કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે લોકો દ્વારા તાત્કાલિક આ ગંદા ગટરના પાણી તળાવમાં બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે જોવું એ રહ્યું કે, તંત્ર દ્વારા કેટલું ઝડપી દુર કરવામાં આવે છે.