દે.બારીઆ,દે.બારીઆ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં શુદ્ધ અને ચોખ્ખુ પીવાનુ પાણી પુરૂ પાડવા માટે સરકાર તરફથી લાખો રૂપિયાના ખર્ચ કરી પાઈપલાઈન અને વોટરફિલ્ટર પ્લાન્ટ નાંખવામાં આવેલ છે. જે માટે પાલિકા દ્વારા પાણી સમિતિની નિમણુંક કરાઈ હતી. હાલમાં પાલિકા પ્રમુખ અને તમામ સદસ્યનો વહીવટી સમય પુર્ણ થવાથી પાલિકાનુ સુકાન દે.બારીઆના મામલતદાર વહીવટદાર તરીકે સંભાળી રહ્યા છે. વહીવટદારની નિમણુંક થયા પછી પાલિકામાં સંભવિત લોકપ્રશ્ર્નો માટે હજુ સુધી કોઈએ કોઈ રજુઆત કરી હોય તેવી જાણકારી મળી નથી.
દે.બારીઆ નગરપાલિકા દ્વારા વોર્ડ નં-6માં અપાતા પાણીમાં કિચડ અને દુર્ગંધયુકત પાણી આવે છે. જેની વારંવાર રજુઆતો પાલિકાના સભ્યોને કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી. કરોડો રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટનુ જયારથી ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે ત્યારથી અત્યાર સુધી આ પ્લાન્ટ બંધ હોવાનુ કહેવાય છે. પાલિકા વિસ્તારના વોર્ડ નં-6માં છેલ્લા 3 દિવસથી દુર્ગંધ મારતુ પાણી નળમાં આવી રહ્યુ છે. જે પાણી પીવા માટે યોગ્ય નથી. જેથી નગરજનોને વેચાતુ લાવીને પાણી પીવાનો વારો આવ્યો છે.