દે.બારીયાના તોયણી ગામે દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર હાઈવેમાં ડામોર ફળીયા પ્રા.શાળા દબાણમાં જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

દાહોદ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુક ના તોયણી ગામે જમીન રિ- સર્વે કામગીરીમાં ખેડૂતોને અન્યાય તથા દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે રોડ પસાર થતા ડામોર ફળીયા વર્ગ પ્રાથમિક શાળા દબાણમાં જતા બાળકોને અભ્યાસમાં મોટી મુશ્કેલી ભોગવવાનો વારો આવવાની નોબત ઉભી થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામ ખાતે ત્રણ ચાર પ્રશ્ર્નોનું નિરાંકરણ લાવવું સરકાર માટે પણ યક્ષ પ્રશ્ર્ન હોય તેમ જણાય છે. દેવગઢ બારીયા તાલુકામાં થોડા મહિના અગાઉ સેટેલાઇટ દ્વારા તમામ ગામડાની જમીનની માપણી કરવામાં આવી જે માપણીમાં તોયણી ગામ સહીત ઘણા ગામડામાં ખેડૂતોને પોતાની જમીનમાં વધારો અથવા વધારે જમીન ધારક ખેડૂતોને જમીનની નકલોમાં ઘટાડો મળ્યો છે. જયારે તોયણી ગામના ડામોર ફળીયા વિસ્તાર માંથી દિલ્હી- મુંબઈ કોરીડોર હાઇવે રોડ પસાર થાય છે. જેમાં ડામોર ફળીયાના બે ભાગલા પડે છે. જે અવરજવર માટે માત્ર 2 * 2 મીટરનો રસ્તો આપવામાં આવેલ છે. કોઈને દવાખાને લઈ જવું હોય તો 108 એમ્બ્યુલન્સ સેવા પણ મળી શકે તેમ નથી અને અન્ય વાહનો પણ પસાર થવું અશક્ય છે. જયારે આ ડામોર ફળીયામાં ધોરણ 1 થી 5ની વર્ગ પ્રાથમિક શાળા પણ આવેલ છે. જે શાળાનું બાંધકામ પણ રોડની કામગીરીમાં સંપૂર્ણ દબાણમાં જતું હોય તંત્ર દ્વારા શાળાના નવીન ઓરડા બનાવવાની કામગીરી પણ હજુ શરૂ કરી નથી. બાળકોના અભ્યાસ માટે પણ ભવિષ્યમાં ઓરડા વગર મોટો પ્રશ્ર્ન છે.

આમ, દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામે નવીન હાઇવે રોડની કામગીરીમાં ડામોર ફળીયામાં જવા આવવા માટે સાંકડા રોડની જગ્યાએ મોટો રોડ તેમજ બાળકોને અભ્યાસ માટે શાળાના ઓરડા તંત્ર દ્વારા બનાવાય તેવી ગ્રામજનો ની માંગ છે.