દે.બારીઆના સીંગોર ગામે રીંછના હુમલામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને પાંચ લાખની સહાય અપાઈ

દે.બારીઆ,

દે.બારીઆ તાલુકાના સીંગોર ગામની આધેડ મહિલા ઉપર રીંછના હુમલામાં મોત નીપજતા સરકાર તરફથી તાત્કાલિક રૂ.પાંચ લાખની સહાય આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકાના સીંગોર ગામના ખેડા ફળિયાના રહેવાસી રયલીબેન રયજીભાઈ બારીયા પર વન્યપ્રાણી રીંછે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજતા જે અન્વયે મૃતકના પતિ રયજી બારીયાને સરકારના નિયમ મુજબ માનવ મૃત્યુમાં વળતર પેટે રૂ.5 લાખ 48 કલાક કરતા પણ ઓછી સમય મર્યાદામાં બારીયા વનવિભાગ દ્વારા તેઓના ખાતામાં સીધા આર.ટી.જી.એસ.ના માઘ્યમથી જમાં કરાવી તે અંગેનો હુકમ આર.એમ.પરમાર આઈ.એફ.એસ., નાયબ વન સંરક્ષક બારીયાના હસ્તે પ્રશાંત તોમર આઈ.એફ.એસ, અભિષેક સમરીયા આઈ.એફ.એસ., તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. વધુમાં નાયબ વન સંરક્ષક દ્વારા વન્યપ્રાણી રીંછના હુમલા અટકાવવા બાબતે મિટીંગ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી. અને મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરવામાં આવી હતી. ઉપરાંત રીંછના હુમલામાં કઈ રીતે બચી શકાય તે માટે રહિશોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.