દે.બારીયાના સીમળીયાધસી ગામે આગ લાગતાં ગેસનો બોટલ ફાટવાથી ધરવખરી અને દાગીના મળી લાખોનું નુકશાન

દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીમળીયાઘસી ગામે એક કાચા મકાનમાં ઓચિંતી આગ લાગતાં મકાનમાં મુકી રાખેલ રાંધણ ગેસનો બાટલો પણ આગની લપેટોમાં આવી જતાં રાંધણ ગેસનો બોટલો બ્લાસ્ટ થતાં આગે પ્રચંડ રૂપ ધારણ કર્યુ હતું અને જોતજોતમાં આગમાં ઘરવખરીનો સામાન, સોના-ચાંદીના દાગીના, વિગેરે મળી લાખ્ખોનો સરસામાન બળીને રાખ થઈ જતાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

ગત તા.15મી એપ્રિલના રોજ સીમળાઘસી ગામે બારીયા ફળિયામાં રહેતાં ભારૂભાઈ સબુરભાઈ બારીયાના રહેણાંક મકાનમાં રાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ તેઓના કાચા મકાનમાં ઓચિંતી આગ લાગી ગઈ હતી. લાગેલ આગના પગલે મકાનમાં મુકી રાખેલ રાંધણ ગેસનો બોટલને આગે પોતાની ઝપેટમાં લઈ લેતાં રાંધણ ગેસનો બોટલ ફાટી નીકળ્યો હતો, પરંતુ તે પહેલાં ઘરના સદસ્યો ઘરની બહાર હેમખેમ બહાર નીકળી જતાં કોઈ જાનહાની બનવા પામી ન હતી. વિકરાળ આગમાં મકાનમાં મુકી રાખેલ સરસામાન, સોના-ચાંદીના ઘરેણા વિગેરે બળીને રાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ નજીકના ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થવા પામ્યું હતું.

આ સંબંધે ભારૂભાઈ સબુરભાઈ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.