દે.બારીઆ,
દે.બારીઆ પાલિકા વિસ્તારમાં ચાર વેપારી અને પાલિકાના ચાલુ સદસ્યોએ ભેગા મળી શ્રી સરકાર જમીનમાં પરમીશન વગર 64 જેટલી દુકાનોનુ પાકુ બાંધકામ કરતા કલેકટરને રજુઆત કરાઈ છે.
શહેરના નાગરિક સંજય જવાહર પરમાર દ્વારા આરટીઆઈ મારફત જરૂરી પુરાવા મેળવતા આ બાંધકામ શ્રી સરકાર જમીનમાં થયુ હોવાના કાગળો મળ્યા હતા. જે પછી અનેક રજુઆત થતાં આ શોપિંગ સેન્ટરને દે.બારીઆ પ્રાંત અધિકારી દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. અને આ શોપિંગ સેન્ટરનો મામલો હાલ ત્રણ વર્ષથી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જે શોપિંગ સેન્ટરનુ ગેરકાયદેસર રીતે બાંધકામ કરનાર ઉપર કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. શ્રી સરકાર જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરેલ હોવાનો ઉલ્લેખ કરી જાગૃત નાગરિકે જમીન પચાવવા કે દબાણનો પ્રયાસ કરતા ઈસમો પર કાયદેસરના પગલા લેવામાં આવે અને આવનાર સમયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવી આશા અને માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.