દે.બારીઆ,સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રેબારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મફત સારવાર દર્દીઓની કરવામાં આવી રહી છે. પરંતુ રેબારી ગામના પ્રા.આરોગ્ય કેન્દ્રમાં સવારના સમયે દર્દીઓને સારવાર કરવામાં આવતી હોય છે. આ દવાખાને સરકાર તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવેલ હોવા છતાં પણ દર્દીઓને ઓપીડી દરમિયાન માત્ર દવા-ગોળી આપી પરત ધરે મોકલી દેવામાં આવતા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. જયારે પ્રસૃતિના કેસમાં મોટાભાગની પ્રસૃતિ બહારના ખાનગી દવાખાનામાં થઈ હોય તો પણ અહિંના દવાખાને બતાવી દેવામાં આવતુ હોવાની પણ માહિતી મળી છે. સવારના સમયે ઓપીડી દરમિયાન ગણ્યો ગાંઠ્યો સ્ટાફ હાજર રહેતો હોય છે. જયારે સાંજના સમયે ફરજ પરના જવાબદાર કોઈપણ ડોકટર્સ કે નર્સ, કમ્પાઉન્ડર ફાર્માસિસ્ટ હાજર હોતા નથી. રેબારી ગામના સ્થાનિક આગેવાનોએ મેડિકલ ઓફિસર અને સ્ટાફને દવાખાને હાજર રહેવા માટે જણાવ્યુ હતુ. છતાંય ડોકટર ફરજ ઉપર હાજર રહેતા નથી. સાંજના સમયે જરૂરી સારવાર નહિ મળતા પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા ખાનગી દવાખાનાનો સહારો લેવા પડતુ હોય છે. રેબારી ગામની કોઈ સગર્ભાને રાત્રિના સમયે જો પ્રસવ પીડા થાય અને ગામના પ્રા.આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવે ત્યારે ફરજ ઉપર ડોકટર જ હાજર નહિ મળતા દે.બારીઆ અથવા તો પીપલોદ દવાખાનામાં પ્રસૃતિ માટે જવુ પડતુ હોય છે. તાલુકાના જવાબદાર હેલ્થ ઓફિસરની સુચનાનો અમલ પણ રેબારી પ્રા.આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ કરી શકતા નથી તે ગંભીર બાબત કહી શકાય.