દે.બારીઆના રામા ગામે કાચા રોડ ઉપર ટ્રેકટર માંથી 19 વર્ષીય યુવાન પડી જતાં અને વ્હીલ ચડી જતાં મોત

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે બારીયા ફળિયા, નદી માંથી આવતા કાચા રોડ પર દોડી આવતું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટર પર બાજુમાં બેઠેલ 19 વર્ષીય આશાસ્પદ યુવક ટ્રેક્ટર પરથી પડી જતા ટ્રેક્ટર નું તોતિંગ પૈડું તેની છાતી પર ફરી વળતા તેનું સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું ટ્રોલી વગરનું જી જે 20 સીએ 0869 નંબરનું ટ્રેક્ટર ગઈકાલે બપોરે બાર વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે રામા ગામે બારીયા ફળિયાના નદી માંથી આવતા કાચા રોડ પર હંકારી લઈ આવતા ટ્રેક્ટરની વધુ પડતી ઝડપને કારણે ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટરના ચાલકની બાજુમાં બેઠેલ બિહારના આમોવા ગામના 19 વર્ષીય ગુડ્ડુ કુમાર લાલજીભાઈ માજી ટ્રેક્ટર પરથી ફંગોળાઈને નીચે પટકાતા તેની છાતીના ભાગે ટ્રેક્ટરનું તોતિંગ પૈડું ફરી વળતા ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક તેના કબજાનુ ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો.

આ સંબંધે રામા ગામના બારીયા ફળિયામાં રહેતા પાંચ મિનિટ ઈસ્માઈલભાઈ રસુલભાઈ ઘાંચી (રામાવાળા)એ નોંધાવેલી ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ટ્રોલી વગરના ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.