દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીપલોદ ગામ સહિત આજુબાજુના ગામડામાંથી કેટલાય દર્દીઓ દવા-સારવાર માટે આવતા હોય છે. હાલમાં પીપલોદ સીએચસીમાં દરરોજ 125થી વધારે ઓપીડી સવારે રહેતી હોય છે. પીપલોદના આ સરકારી દવાખાનામાં જરૂરી પુરતો મેડિકલ સ્ટાફ પણ સરકાર દ્વારા મુકવામાં આવેલ છે સાથોસાથ જરૂરી તમામ સુવિધાઓ આ દવાખાને દર્દીઓને મફતમાં મળતી હોય છે. પરંતુ પીપલોદ સરકારી દવાખાને ઓચિંતી લેબોરેટરી વિભાગમાં સીબીસી મશીનમાં કંઈક યાંત્રિક ખામી સર્જાતા મોટાભાગના દર્દીઓનુ લેબોરેટરી પરીક્ષણ રહી ગયુ હોવાની માહિતી મળી છે. કેટલાક દર્દીઓ આ સરકારી દવાખાને ઓચિંતા લેબોરેટરીમાં મશીન બંધ થઈ જતાં પીપલોદ અને દે.બારીઆના ખાનગી દવાખાનાનો સહારો લેવા પહોંચી ગયા હતા. દે.બારીઆ શહેરમાં ખાનગી દવાખાનાના કહેવાતા જતા ડોકટરો કોઈપણ દર્દીને સારવાર કરતા પહેલા લેબોરેટરી વાળાને ફોન કરી બ્લડ સેમ્પલ લેવા બોલાવી લેતા હોય છે. ખાનગી લેબોરેટરીમાં દર્દીઓનુ ફીમાં ભારે શોષણ થતુ હોય છે. કારણ કે તેમાં જે તે ડોકટરનુ કમિશન હોય છે. પીપલોદ બજારની પરિસ્થિતિ કંઈક અલગ છે. જેમાં દર્દીઓ પાસે ફી ની વધારે વસુલાત થતી હોય છે. આજે પીપલોદ સરકારી દવાખાનામાં લેબોરેટરીમાં સીબીસી મશીન બંધ થઈ જતા ખાનગી લેબોરેટરી વાળાઓ દર્દીઓ પાસેથી ઉંચી ફી વસુલ કરી લીધી હોવાનુ દર્દીઓ જણાવી રહ્યા છે. પીપલોદ સરકારી દવાખાને ઓચિંતા લેબોરેટરી વિભાગમાં મશીન બંધ થતાં વ્યાપક મુશ્કેલી સર્જાઈ હતી. સરકારના આરોગ્ય તંત્ર દ્વારા પીપલોદ સરકારી દવાખાને બંધ પડેલ મશીનનુ તાત્કાલિક રિપેરીંગ કામ થાય અને દર્દીઓને ખોટા રૂપિયા નહિ વેડફાય તેવી આમ જનતા સહિત દર્દીઓની માંગ છે.