દે.બારીયાના પીપલોદના અસાયડીના વ્યકિતએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી પત્ની અને સંતાન સાથે કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે અસાયડી ગામે રહેતાં એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસને લઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા છતાંયે વ્યક્તિને કોઈ ન્યાય નહીં મળતાં આખરે હારી થાકેલા વ્યક્તિએ પોતાની પત્નિ તથા એક સંતાન સાથે દાહોદ જીલ્લા સેવા સદન કલેક્ટર કચેરી પહોંચી ગયો હતો અને પરિવાર સાથે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે વ્યક્તિના હાથમાંથી જ્વલનશીલ પદાર્થનો કારબો લઈ વ્યક્તિની અટકાયત કરી પરિવારજનો સાથે તેમને પોલીસ મથકે જવામાં આવ્યાં હતાં.

ગતરોજ 29મી ડિસેમ્બરને શુક્રવારના રોજ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના અસાઈડી ભુત ફળિયામાં રહેતા મહેશભાઈ ચંદુભાઈ પટેલ 2022 માં પોતાના ગામમાં રહેતાં જયસ્વાલ ધવલભાઈ ઉર્ફે ધનપાલભાઈ (સંજયભાઈ) પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં. આ નાણાં વ્યાજ સહિત ચુકવી દીધાં બાદ પણ જયસ્વાલ ધવલબાઈ ઉર્ફે ધનપાલભાઈ, વાદી ભરતભાઈ લક્ષ્મણભાઈ, વાદી ટીનાબેન ભરતભાઈ તથા વાદી કીરણભાઈ ભરતભાઈઓ પટેલ મહેશભાઈ ચંદુભાઈ પાસે વધારાની પૈસાની માંગણી કરી અવાર નવાર મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં હતાં. આ મામલે પીડીત પટેલ મહેશભાઈ ચંદુભાઈ દ્વારા ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે, લીમખેડા ડી.વાય.એસ.પી. કચેરી, દાહોદ એસ.પી. કચેરીએ લેખિત વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીની અરજી કરી હતી. ત્યાર બાદ તારીખ 12.12.2023ના રોજ દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ પણ આ મામલે અરજી કરી હતી. પીડીત પટેલ મહેશભાઈના જણાવ્યાં અનુસાર, ઉપરોક્ત ઈસમો ખુબજ માથાભારે, ઝઝુની સ્વભાવના અને દારૂનો ખુબ મોટા પ્રમાણમાં વેચાણ ધંધો કરતા હોય અને નામચીન બુટલેગર હોઈ તેમજ નાણં વ્યાજે આપીને ડરાવી ધમકાવીને પઠાણી ઉઘરાણી કરતાં હોય અને પોલીસ સાથેની સારી એવી લાગવગ ધરાવતાં હોવાથી પટેલ મહેશભાઈએ આપેલ અરજીઓનો યોગ્ય ન્યાય કે નિર્ણય મળવા દેતા ન હોઈ અને પટેલ મહેશભાઈ ચંજુભાઈને ડરાવી, ધમકાવી, મારી નાંખવાની ધમકીઓ આપતાં હોય આજરોજ પટેલ મહેશભાઈ ચંદુભાઈ તેમની પત્નિ અને એક બાળકને સાથે લઈ દાહોદ જીલ્લા સેવા સદન કલેક્ટર કચેરી બહાર હાથમાં જ્વલનશીલ પદાર્થ કારબામાં ભરી આવ્યાં હતાં અને પોતાની ઉપર છાંટે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ પટેલ મહેશભાઈના હાથમાં જ્વલશીલ પદાર્થનો કારબો લઈ તેઓને, તેમની પત્નિ અને બાળકને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયાં હતાં. ઘટના પગલે જીલ્લા સેવા સદન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આગામી દિવસોમાં પીડીત પટેલ મહેશભાઈ ચંદુભાઈને ન્યાય મળશે કે કેમ ? તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું.