દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં મોટા પાયે રમાતા જુગાર ધામ પર ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈજવા પામ્યાં હતાં. પોલીસે 15 જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી તેમજ અંગઝડતીમાંથી કુલ રોકડા રૂપીયા 24,710ની રોકડ રકમ સાથે 11 મોબાઈલ ફોન અને 06 વાહનો મળી પોલીસે કુલ રૂા. 2,02,510નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર ડમ્પીંગયાર્ડની પાછળના ભાગે બે દિવસ પહેલાં ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે જુગાર ધામ પર દરોડો પાડી 15 જુગારીઓને ઝડપી પાડી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ બનાવમાં દાહોદ સ્થાનીક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. ત્યારે આવો જ એક બનાવ દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બનવા પામ્યો છે, જેમાં પણ સ્થાનીક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી અને સ્થાનીક પોલીસના નાક નીચેથી ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં ગતરોજ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે પીપલોદ નગરમાં ભુત ફળિયામાં ખુલ્લા ખેતર પાસે જાહેરમાં ખુલ્લા છાપરામાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા. જેમાં પોલીસે 15 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. જેમાં સતીષ દાઉદપાલ અગ્રવાલ, ગોવિંદભાઈ પ્રતાપભાઈ પટેલ, ભુપેન્દ્ર ચેતનભાઈ બનોઘા, નરેશ ભરતસિંહ ઠાકોર, શબ્બીર હુસેનભાઈ ચન્કી, ભગવાનભાઈ ભવાનીશંકર શર્મા, અભેસિંગ ભુદરાભાઈ પટેલ, બાબુભાઈ સબુરભાઈ ડામોર, પ્રવિણભાઈ અભેસિંગ બારીયા, અર્જુનસિંહ જવરસિંગ બારીયા, ગણપત બકુલભાઈ પટેલ, કમલેશ નરસિંગભાઈ પટેલ, રૂચીરામ (રાજુ) ચેલારામ નથવાણી, મહેશભાઈ પીરૂમલ સોલંકી અને વિશાલભાઈ બાબુભાઈ ભરવાડને પોલીસે ઝડપી પાડ્યાં હતા. ત્યારે એક જુગારી પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દાવ પરથી તેમજ ઝડપાયેલ જુગારીઓની અંગઝડતી માંથી રોકડા રૂપીયા 24,710/-ની રોકડ સાથે 11 મોબાઈલ ફોન તેમજ 06 વાહનો મળી કુલ રૂા.2,02,510નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે સ્થાનીક પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.