દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પાંચીયાસાળ ગામે બે દિવસ પહેલા રાત્રીના સમયે સ્ટેટ વિજીલન્સ ગાંધીનગરની ટીમ પર એક કુખ્યાત બુટલેગર સહિત તેના સાગરીતો દ્વારા સ્ટેટ વિજીલન્સની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી ફાયરીંગ કર્યું હતું. જે ઘટના સબબે એક્શનમાં આવેલ પોલીસે આજરોજ કુખ્યાત બુટલેગરના રહેણાંક વિસ્તાર સહિત તેના આશ્રયસ્થાનો ગણાતા મધ્યપ્રદેશમાં પણ જીલ્લાની તમામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે બે દિવસ પહેલા એટલે કે, તા.10મી જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા દશ વાગ્યાના આસપાસ દેવગઢ બારીયા તાલુકાના પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ કુખ્યાત બુટલેગર ભીખાભાઈ રાઠવા તથા તેમની સાથે તેમના સાગરીતો ફોર વ્હીલ ગાડીઓ લઈ પસાર થઈ રહ્યા હતા. તેઓની ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો હોવાનુ પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યુ હતું. જે સંદર્ભે પોલીસે બુટલેગર ભીખા રાઠવાની અટકાયત કરવાની કોશીશ કરતા ભીખા રાઠવાએ પોતાની બાર બોરની બંદકમાંથી પોલીસ ઉપર સાત રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને તે સમયે ભીખા રાઠવાના ર3 જેટલા સાગરીતોનુ ટોળુ અચાનક પાછળથી આવી સ્ટેટ વિજીલન્સની ટીમ ઉપર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે પોતાના સ્વબચાવમાં પોતાની પાસે રહેલ સર્વિસ રીવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને પોલીસ પર હુમલો કરી ભીખા રાઠવા સહિત તેના સાગરીતો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે રાત્રી દરમ્યાનના સર્ચ ઓપરેશનમાં ત્રણ ફોર વ્હીલર ગાડી અને એક મોટર સાયકલ કબ્જે કરી હતી.
સમગ્ર ઘટનાને પગલે દાહોદ જીલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ઘટનાના ઉચ્ચસ્તરીય પડઘા પડતા ઉચ્ચ કક્ષાએથી બુટલેગરોને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશો દાહોદ જીલ્લા પોલીસને કરવામાં આવતા આજરોજ કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાને ઝડપી પાડવા દાહોદ જીલ્લાની એલસીબી, એસઓજી, લીમખેડા પોલીસ સહિત જીલ્લાની તમામ પોલીસ ટીમ દ્વારા બુટલેગર ભીખા રાઠવાના નિવાસસ્થાન છોટાઉદેપુર જીલ્લાના મીઠીબોર ખાતે તેમજ તેના આશ્રયસ્થાનો તરીકે ગણાતા અને મધ્યપ્રદેશ ખાતે તેના નિવાસસ્થાને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ભીખા રાઠવાને પકડી પાડવા પોલીસને હાલ સુધી કોઈ સફળતા મળી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.