દે.બારીઆ નગરની ખાનગી શાળાઓના યુનિફોર્મ ગણતરીની દુકાનોમાં મળતા વાલીઓને હાલાકી

દે.બારીઆ,દે.બારીઆ નગરમાં આવેલી કેટલીક નામાંકિત ખાનગી શાળાઓના યુનિફોર્મ નગરની ગણતરીની દુકાનોમાં જ મળતા વાલીઓમાં રોષ મળ્યો છે. શાળા સંચાલકો શિક્ષણ વિભાગના નિયમોનુ ઉલ્લંધન કરતા હોય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાલમાં શાળા કોલેલજનુ નવુ સત્ર શરૂ થયુ છે. શાળામાં ભણતા બાળકોને ચોપડા તેમજ યુનિફોર્મની ખરીદી માટે પણ દુકાનોમાં ધરાકી ખુલી હોય છે. કેટલીક ખાનગી શાળાઓ દ્વારા યુનિફોર્મમાં બદલાવ લાવવાના કારણે બાળકો તેમજ વાલીઓને પણ આ યુનિફોર્મ ખરીદવા અગવડતા ઉભી થાય છે. તે સમયે કયારેક ગણતરીની દુકાનો ઉપર જ યુનિફોર્મ મળતો હોવાથી કયાંક શાળાના સંચાલક અને દુકાનદારોમાં સાંઠ ગાંઠ હોય તેમ જોવાઈ રહ્યુ છે. આ જ રીતે દે.બારીઆ નગરમાં આવેલી કેટલીક ખાનગી શાળાના યુનિફોર્મ નગરની ગણતરીની દુકાનો ઉપર વેચાણ કરવામાં આવે છે. જેથી દુકાનદારો મનમાની ચલાવે છે. શાળા સંચાલકો દ્વારા ચોપડા તેમજ યુનિફોર્મ ખરીદી કરવા માટે વાલીઓને દબાણ ન કરી શકે તેવા નિયમો સરકાર દ્વારા બહાર પાડ્યા હોય તેમ છતાં પણ હાલ નગરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો આ નિયમોને ધોળીને પી ગયા છે. દુકાનદારો પણ યુનિફોર્મના નામે વધુ પૈસા લઈ ઓછી ગુણવત્તાવાળા કાપડનો યુનિફોર્મનુ વેચાણ કરતા હોવાનુ વાલીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.