દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના માંડવ ગામે પોતાના કુટુંબી ફુવાને સાથે લઈ પોતાની પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને તથા તેના કુટુંબી ફુવાને છોકરી પક્ષના માણસોએ માર મારી બેભાન બનાવી કોઈ વાહનમાં તેઓના ઘર સુધી મૂકી નાસી ગયાનુ પોલીસ વર્તુળો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા રાકેશભાઈ સરદારભાઈ બારીયા તથા ટીમરવા ગામે રહેતા તેના કુટુંબી ફુવા મનીષભાઈ નાયકાભાઈ ગમાર એમ બંને જણા પોતાની મોટરસાયકલ લઈ માંડવ ગામે રહેતી રાકેશભાઈ બારીયાની પ્રેમિકા રેણુકાને મળવા માટે માંડવ ગામે રાત્રિના સમયે ગયા હતા. તે દરમિયાન છોકરીના ઘરના ભરત ગોપસીંગ પટેલ, દિલી સોકાભાઈ પટેલ, અર્જુનભાઈ મસુરભાઈ પટેલ તથા અન્ય એક મળી જ્યારે જણા જાગી ગયા હતા અને તે ચારે જણા દોડી આવ્યા હતા અને તે ચારે જણાએ રાકેશભાઈ બારીયા તથા તેના કુટુંબી ફુવા મનીષભાઈ ગમારને ગઢડાપાટુનો માર માર્યો હતો અને દિલીપભાઈ સોકાભાઈ પટેલે રાકેશભાઈ બારીયાને ખૂન કરવાના ઇરાદે લોખંડની પાઇપનો જોરદાર ફટકો માથાના ભાગે મારી દેતા રાકેશભાઈ બારીયા બેભાન થઈ ઢળી પડ્યા હતા તથા મનીષભાઈ ગમારને શરીરે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તે પણ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી બંને બેભાન ફુવા-ભત્રીજાને કોઈ વાહનમાં નાખી ડુંગરપુર ખાતેના તેઓના ઘર સુધી મૂકી નાસી ગયા હતા.
આ સંબંધે ડુંગરપુર નિશાળ ફળિયાના કીર્તનભાઈ સરદારભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે સાગટાળા પોલીસે માંડવ ગામના ભરત ગોપસીંગભાઇ પટેલ, દિલીપ સોકાભાઈ પટેલ, અર્જુનભાઈ મસુરભાઈ પટેલ તથા અન્ય એક મળી કુલ ચાર જણા વિરૂદ્ધ ઇપીકો કલમ 307,323,114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.