દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં પાના પત્તા વડે જાહેરમાં રમાતા મોટા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે 11 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા 39,090, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.1,39,090નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે આ જુગારીઓમાં દેવગઢ બારીઆ તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતિ મોરચાના મંત્રી પણ ઝડપાયો હોવાનું સામે આવતાં ભાજપના રાજકીય માહૌલમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.
ગતરોજ દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે મોટા પાયે રમાતા જુગારના અડ્ડા પર સ્થાનીક પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં પરંતુ પોલીસે જુગાર રમી રહેલા તમામ 11 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. જેમાં સત્તારભાઈ ઈસ્માઈલભાઈ રાતડીયા, ઈમરાન દાઉદખાન પઠાણ, રાકેશભાઈ રજનીકાંત પરીખ, ઈબ્રાહીમભાઈ હુસૈનભાઈ શૈખ, તાહીર હુસૈનભાઈ શેખ, ઈનાયત હુસૈન કલા, મુસ્તુફા તૈયબભાઈ રામાવાળા, યાકુબ સત્તાર ગુમલીવાળા, ઈલીયાસ ઈસ્માઈલ પટેલ, સોહીલખાન જાવેદખાન પઠાણ અને સબ્બીર અબ્દુલ વહાબનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 39,090 તેમજ મોબાઈલ ફોન નંગ.10 કિંમત રૂા.1,00,000 મળી પોલીસે કુલ રૂા.1,39,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, આ જુગારીઓમાં દેવગઢ બારીઆ તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતિ મોરચાના મંત્રી ઈમરાન દાઉદખાન પઠાણનો પણ સમાવેશ થાય છે. આ લઘુમતિ મોરચાના મંત્રીનો સમાવેશ થતાં દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે.
આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.