દે.બારીયાના જુના રેલ્વે સ્ટેશન પાછળ ઝાડીમાં ધમધમતા વરલી મટકાના જુગારધામ ઉપરથી 6 ઈસમોને પોલીસે ઝડપ્યા

દાહોદ, દેવગઢ બારીઆ ખાતે જુના રેલ્વે સ્ટેશન પાછળ પીઠ વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીઓમાં વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાં ધમધમતા વરલી મટકાના જુગાર ધામ પર ત્રાટકેલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આંક ફરકનો જુગારના આંકડા લખનાર તથા લખાડવા આવનારાઓ મળી કુલ છ જેટલા ઈસમોને રોકડ, મોબાઈલ તથા જુગારના સાધનો મળી કુલ રૂપિયા 22,790ના મુદ્દામાલો તથા જુગારના સાધનો મળી કુલ રૂપિયા 22,790ના મુદ્દામાલ સાથે પકડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લામનું દેવગઢ બારીઆ નગર તથા આસપાસના વિસ્તારમાં જુગારનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાથી દેવગઢ બારીઆ જુગારનું હબ મનાઈ રહ્યું છે અને તે માન્યતાના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ છાશવારે છાપા મારવામાં સફળ પણ થાય છે. તેવી જ રીતે ગતરોજ પોતાને વરલી મટકાના જુગાર અંગે મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરી ટીમે સાંજના સમયે દેવગઢ બારીઆ ખાતે જુના રેલ્વે સ્ટેશન પાછળ પીઠા વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીઓમાં વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાં રમાતા વરલી મટકાના જુગાર પર ઓચિંતો છાપો મારી વરલી મટકાના જુગારના આંકડા લખનાર દેવગઢ બારીઆ કાપડીના હુસેનભાઈ ઈસુબભાઈ જેતરા આંકડા લખાવવા આવનાર ગ્રાહકો પુવાળા ગામના ટેકરી ફળિયાના મંગાભાઈ સળીયાભાઈ નાયક, પ્રતાપભાઈ વજેસીંગભાઈ નાયક, રમેશભાઈ કલસીંગભાઈ નાયક, રમેશભાઈ વજેસીંગભાઈ નાયક તથા દેવગઢ બારીઆ નગરમાં આકલેશ્ર્વર રોડ પર પીઠા ફળિયામાં રહેતા સુનીલભાઈ જયંતિભાઈ વણઝારાને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી અંગ ઝડતીના તથા જુગારના મળેલ રૂા. 16,290, રૂપિયા 6500ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-4, જુગારનું સાહીત્ય, આંકડા લખેલ ચીઠ્ઠીઓ, સટ્ટા બુક, કાર્બન પેપર, પેન વગેરે મળી રૂા. 22,790નો મુદ્દામાલ પકડી પાડી દેવગઢ બારીઆ પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા બારીયા પોલીસે પકડાયેલા ઉપરોક્ત છ જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.