દે.બારીઆના જંગલમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરાશે

દે.બારીઆ,દે.બારીઆ તાલુકામાં જંગલની જમીનમાં કેટલાક ખેડુતોએ દબાણ કરી તંત્રને ગેરમાર્ગે દોરી વધુ જમીનની માંગણી કરી રહ્યા છે. જે અંગે વનવિભાગ જરૂરી કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી જંગલની જમીન જે ખેડુતો ખેડાણ કરતા હતા તેમના માટે સરકાર તરફથી કાયદેસરની સનદ વિતરણનો કાર્યક્રમ વર્ષો પહેલા દે.બારીઆ ખતે તે સમયના મહેસુલ મંત્રી વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સનદો પણ અપાઈ હતી. જે પછી જંગલ ખાતામાં જમીન પોતાના બાપ-દાદા ખેડાણ કરતા હોવાના કેટલાય પુરાવાઓ રજુ કરીને જમીન મેળવવા માટે જરૂરી કાગળો જંગલ ખાતામાં રજુ કર્યા હતા. જેમાં મોટાભાગે દે.બારીઆ તાલુકાનુ કોઈ ગામ બાકી નહિ હોય કે જે ગામમાં જંગલની જમીન મેળવવા માટે ખેડુતોએ અરજીઓ ન કરી હોય જેમાંથી ધણા અરજદારો એવા હશે કે તેમના બાપ-દાદા એ કદાચ જંગલમાં જમીનનુ ખેડાણ પણ નહિ કર્યુ હોય અને મફતની જમીન મેળવવા જોઈતા ખોટા પુરાવાઓ ઉભા કરીને ફાઈલ તૈયાર કરી મોકલી દીધી હશે.જંગલની જમીન જેમને મળવાપાત્ર હતી તેમને કાયદેસરની સનદ સરકાર તરફથી આપેલ હતી. તે ખેડુતો જમીનના હકદાર છે. પછી પણ કેટલાય ખેડુતોએ પોતાને મળતી જમીન ઉપરાંત વધારે જમીનની માંગણી કરાવી હાલમાં ખેડાણ કરતા હોવાની ચર્ચાઓ ગામડામાં ચાલી રહી છે.જે ગામમાં જંગલ ખાતાની જમીનનો જેટલો વિસ્તાર છે. તેના કરતા જમીન મેળવવા માટે અરજીઓની ફાઈલો વધારે હોવાની ખાનગી માહિતી મળી છે. જે વાત ઉપરથી ફલિત થાય છે કે, જમીન લેવા માટે ખોટા પુરાવાઓનો ઉપયોગ કરી જંગલ ખાતાના અધિકારીઓને ગેર માર્ગે દોરી રહ્યા છે. કેટલાક ખેડુતોને પોતાને મળેલી જમીનની નજીક હજુ પણ જમીન અમને મળશે તેવુ વિચારી ગેરકાયદે ખેડાણ કરી રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

દે.બારીઆ વન વિભાગના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારે આ અંગે જણાવ્યુ હતુ કે,જે ખેડુતોએ ગેરકાયદે જંગલની જમીનમાં દબાણ કર્યુ છે તેવા દબાણો ટુંક સમયમાં માપણી કરી દબાણ ખુલ્લી કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. આમ દે.બારીઆ તાલુકામાં જંગલની જમીનમાં ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા હટાવી તે જમીનમાં વૃક્ષારોપણ થાય તે જરૂરી છે.