દે.બારીઆના હિંદોલીયા ગામની યુવતીએ ઝેરી દવા પી આપધાત કર્યો

પીપલોદ, દે.બારીઆ તાલુકાના પીપલોદ પાસે આવેલ હિંદોલીયા ગામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પીપલોદ પોલીસ મથકે નોંધાવવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકાના હિંદોલીયા ગામના મોટા ફળિયામાં રહેતા ગણપત સાવજી જાતે ભીલની 21 વર્ષિય દિકરી ખેતરમાં ડોળીઓ વીણવા માટે ગઈ હતી. અને બાદમાં જાણવા મળેલ કે જંગલ વિસ્તારમાં મહુડાના ઝાડ નીચે કોઈ એક છોકરી સુતેલી જોવા મળી છે. આ વાત જણાતા ધરના સભ્યો તરત જ પોતાના ખેતર પાસે આવેલ મહુડાના ઝાડ નીચે પહોંચીને જોતા કોઈ ઝેરી જંતુનાશક દવા પી મોત વ્હાલુ કરનાર દિકરીને જોતા મા-બાપના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. બનાવ અંગે યુવતીના પિતા ગણપત સવજી ભીલ નાએ પીપલોદ પોલીસ મથકમાં જાણવાજોગ જાહેરાત આપતા પોલીસે લાશનુ પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે.