દે.બારીયાના ગુણાની અમદાવાદ નરોડા પરણાયેલ પુત્રીને દહેજ લાવવાની માંગણી કરી ત્રાસ આપતા ફરિયાદ

દાહોદ,લગ્નના 17 વર્ષ પૈકીના 14 વર્ષ સુધી દહેજ લાલચુ સાસરીયાઓ દ્વારા દહેજમાં બાપના ઘરેથી સોના-ચાંદીના દાગીના લઈ આવવા માટે દબાણ કરી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ અમદાવાદના નરોડા પરણાવેલ દે.બારીયાના ગુણા ગામની 35 વર્ષીય પરણીત મહિલાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજે દસ્તક આપ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆના ગુણા ગામની 35 વર્ષીય માધુરીબેનના લગ્ન તા. 10-8-2006માં નરોડા જીઆઈડીસી આસોપાલવ સોસાયટીમાં રહેતા પિયુષભાઈ જગરામભાઈ વણઝારા સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા હતા. માધુરીબેનના તેના પતિ તથા સાસરીયાઓએ લગ્ન બાદ ત્રણ વર્ષ સુધી સારૂ રાખ્યું હતું. ત્યારબાદ પતિ પિયુષભાઈ, સસરા જગરામભાઈ સરવણભાઈ વણઝારા, સાસુ સંગીતાબેન જગરામભાઈ વણઝારા, જેઠ મુકેશભાઈ જગરામભાઈ વણઝારા વગેરેનું પોત પ્રકાશ્યું હતું અને તે તમામે ભેગા મળી અવાર નવાર મહેણાટોણા મારી તારા પિતાએ દહેજમાં અમોને કોઈ સોના-ચાંદીના દાગીના આપ્યા નથી, તું તારા પિતાના ઘરેથી સોના-ચાંદીના દાગીના લઈ આવ. તેમ કહી સોના-ચાંદીના દાગીના લાવવા દબાણલ કરી તેના પતિ દ્વારા ઘરના સૌની ચઢામણીને કારણે ઘરમાંથી નીકળી જવા દબાણ કરી મારકુટ કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ ગુજારાતા હોઈ છેલ્લા ચૌદ વર્ષથી ગુજારાતા આવા ત્રાસથી વાજ આવેલ માધુરીબેને તેના પતિ, સાસુ, સસરા જેઠ, જેઠાણી વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે માધુરીબેનના, પતિ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી વિરૂધ્ધ 498(ક), 323, 504, 506(2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.