દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે એક નામાંકીત તબીબની ફોર વ્હીલર ગાડીને માર્ગ અકસ્માત નડતાં ગાડીમાં સવાર તબીબને સારવાર મળે તે પહેલાંજ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર તબીબના પુત્ર અને ભત્રીજાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના ફુલપુરા સેવનીયા ગામે રહેતાં અને ગામના અગ્રણી એવા તબીબ મનહરસિંહ સામતસિંહ મહિડા જેઓ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હતાં અને રાજકીય ક્ષેત્રે આગળ રહેતાં હતા. જેઓ પોતાની ફોર વ્હીલર ગાડી લઈ જેમાં પોતાના પુત્ર દિલાવર તથા ભત્રીજાને બેસાડી દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે તેઓની ફોર વ્હીલર વ્હીલર ગાડી રસ્તાની સાઈડમાં આવેલ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગાડીમાં સવાર તબીબ મનહરસિંહ મહિડા, દિલાવર અને દલપતિંસહને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે રવાના કરવામાં આવ્યાં હતા. જ્યાં તબીબ મનહરસિંહને સારવાર મળે તે પહેલાંજ હોસ્પિટલના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેઓના પુત્ર અને ભત્રીજાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ સારવાર હેઠળ છે. તબીબના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ દેવગઢ બારીઆના રાજકીય પક્ષોમાં થતાં રાજકીય પક્ષોમાં પણ સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.