દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરમાં એક દંપતિએ એક વ્યક્તિને ગેરકાયદેસર 80,000 રૂપીયા 10 ટકા લેખે વ્યાજે આવ્યાં બાદ બે વર્ષ સુધી રૂા.8,000 રૂપીયા દર મહિને વ્યાજ વસુલ કર્યા બાદ વ્યક્તિ પાસેથી તેના બેન્કના 10 કોરો ચેકો લઈ ચેક બેન્કમાં નાંખી દઈ ચેક બાઉન્સ થતાં કોર્ટમાં વ્યક્તિ વિરૂધ્ધ 138 મુજબની ફરિયાદ કર્યા બાદ વ્યક્તિને અવાર નવાર નાણાંની ગેરકાયદેસર ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઉપરોક્ત વ્યાજખોર દંપતિના ત્રાસથી વાજ આવેલ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
તા.05.03.2020ના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે માળી ફળિયામાં રહેતાં નિવૃત કર્મચારી ચતુરભાઈ ભુદરભાઈ બારીઆએ લક્ષ્મણસિંહ ચંદ્રસિંહ રાઠોડ (રહે. સીમામોઈ, ટેકરી ફળિયુ, તા.ધાનપુર, જિ.દાહોદ) ના બીમાર હોઈ દેવગઢબારીઆ નગરમાં ટાવર શેરી ખાતે રહેતાં કેદારમલ બદરીલાલ શાહ અને તેમની પત્નિ કૌશલ્યાબેન કેદારમલ શાહ પાસેથી રૂા.80,000 રૂપીયા 10 ટકા લેખે વ્યાજે લીંધાં હતાં અને ઉપરોક્ત દંપતિએ ચતુરભાઈ પાસેથી તેઓના બેન્કના ખાતાના કુલ 10 કોરો ચેકો પણ લઈ લીધાં હતાં. આ વ્યાજના નાણાંની ભરપાઈ દર મહિને 8 ટકાના લેખે ચતુરભાઈ ઉપરોક્ત દંપતિને દર મહિને 8 હજાર વ્યાજ આપતાં રહેતાં હતાં. આજદિન સુધી આ વ્યાજની રકમ પેટે કુલ 2,20,000 વ્યાજ પેટે આપી દીધાં હતાં ત્યારે અવાર નવાર ચતુરભાઈને ઉપરોક્ત દંપતિ મારી નાંખવાની ધમકીઓ આપી બાકીના કુલ રૂા.1,52,000 બાકી નીકળે છે, તેમ કહી ચતુરભાઈને હેરાન પરેશાન કરતાં હતાં અને અવાર નવાર બેફામ ગાળો બોલી તેમજ જો તમો એકલા તમારૂ પેન્શન લેવા દેવગઢ બારીઆ આવશો તો અમો તમને તમારા ઘરે જવા નહીં દઈએ અને મારી નાંખીશુ તેવી ધાકધમકીઓ આપતાં આવા ત્રાસથી વાજ આવેલ ચતુરભાઈ ભુદરભાઈ બારીઆએ ઉપરોક્ત દંપતિ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોક્સ :-
દેવગઢ બારીઆ નગર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો રાફડો ફાટ્યો છે. ગરીબ અને મજબુર લોકો પાસે આવા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો દ્વારા ઉંચા વ્યાજ દરે નાણાં ધિરાણ કરી ગરીબ અને લાચાર લોકો પાસેથી મુડી કરતાં બમણું વ્યાજ વસુલ કરી લે છે. લોકો પાસેથી આવા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો કોરો ચેકો પણ પડાવી લેતાં હોય છે અને બેન્કમાં ચેકો પાસ કરાવી અને જો ચેક બાઉન્સ થઈ જાય તો વ્યક્તિઓને ખોટી રીતે કોર્ટમાં 138 મુજબનો કેસ કરી દઈ પીડીતોને હેરાન પરેશાન કરતાં રહે છે. આવા કેસોમાં જો પોલીસ તંત્ર દ્વારા પીડીતોની ફરિયાદને ધ્યાકનમાં રાખી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો પાસેથી પીડીતોના ચેકો પણ પરત કરાવે તો પીડીતોને ન્યાય મળી શકે તેમ છે.