દે.બારીઆના ચેનપુર ગામે ખેતરમાં દેખરેખ રાખતા વૃદ્ધ ઉપર દિપડાનો હુમલો

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના ચેનપુર ગામે ખેતરની દેખરેખ રાખતા 60 વર્ષના વૃદ્ધ ખેડુત ઉપર દિપડાએ હુમલો કરતા ખેડુતને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ચેનપુર ગામના ધાટા ફળિયામાં રહેતા મોહનભાઈ સુકાભાઈ બારીયા(ઉ.વ.60)ધરથી થોડે દુર આવેલા ખેતરમાં મકાઈના પાકની ખેતી કરી હોય અને તે પાકનુ ભેલાણ ના થાય તે માટે ખેતરની દેખરેખ રાખી રહ્યા હતા. ત્યારે નજીકના જંગલ તરફથી એક દિપડો આવી ચડતા ખેડુત મોહનભાઈ ઉપર અચાનક હુમલો કર્યો હતો. મોહનભાઈને બચાવવા બુમાબુમ કરતા નજીકના ખેતરમાં કામ કરી રહેલા અન્ય ખેડુતો તેમજ ગ્રામજનો ત્યાં દોડી આવી જતાં દિપડો જંગલ તરફ નાસી ગયો હતો. જયારે દિપડાના હુમલામાં ધાયલ મોહનભાઈ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. જેથી તેમને તરત જ સારવાર અર્થે દે.બારીઆ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતાં વનકર્મીઓ પણ ધટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગામમાં વારંવાર શિકારની શોધમાં આવી ચઢતા દિપડાના હુમલાને લઈ ગ્રામજનોને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.