- ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે ખનન કરતા રેત માફિયા વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતું.
- પ્રાંત અધિકારીએ ખનીજ વિભાગને રિપોર્ટ કરતા તંત્ર સફાળું જાગ્યુ હોય તેમ.
- ખનીજ વિભાગે સ્થળ તપાસ કરી વધુ કાર્યવાહી કરવાની ગ્રામજનોને હૈયાધારણા આપી હોય તેમ.
દેવગઢ બારિયા તાલુકાના ભૂલવણ ગામે પાનમ નદીના કિનારે આવેલા સરકારી જમીન માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં ગ્રામજનોની ખેતીની જમીનનું થતું ધોવાણ તેમજ ગ્રામજનોને અગવડતા ઊભી થતા રેતી માફિયા વિરૂદ્ધ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ન કરાતા ગ્રામજનો એકત્ર થઈ આવેદનપત્ર આપતા ખનીજ વિભાગ જાણે સફાળુ જાગ્યું હોય તેમ દોડતું થયું ખનીજ વિભાગ ભુલવણ ગામે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકા માંથી પસાર થતી પાનમ તેમજ ઉજ્જળ નદીઓના પટ્ટ માં રેતી માફીયાઓ દ્વારા રેતી ખનન માટે ગેરકાયદેસર આડેધડ ખોદકામ કરતાં નદીઓ જાણે બંજર થઈ હોય તેમ જોવા રહ્યું છે. હાલ આ નદીઓના પટ્ટમાં રેતીનો જથ્થો ના હોવાના કારણે હાલમાં રેતી માફિયાઓ દ્વારા નદી કિનારે આવેલ જમીનોનું ખોદકામ કરી રેતી ઉલેચતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ રેત માફિયાઓ દ્વારા સરકારી કે પછી ખાનગી સર્વે નંબરોમાં ગ્રામજનોને ધાક ધમકી આપીને પણ પોતાનો રેતી ખનન કરવાનો વેપલો ચલાવતા હોય તેમ કહેવાય રહ્યું છે.
ત્યારે તેવી જ રીતના દેવગઢ બારિયા તાલુકાના ભૂલવણ ગામે પાનમ નદી કિનારે આવેલા સરકારી જમીનમાં એક રેતી માફિયા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવા માટે મસ મોટા ખાડા ખોદી હજારો ટન રેતી ખનન કરી લઈ જતા હાલમાં અહીં મોટા ખાડા પડી જવાના કારણે નજીકમાં આવેલા સર્વે નંબરોનું પણ ધોવાણ થતું હોય તેમ તેમજ ખેડૂતોને અવર-જવર કરવામાં તેમજ ગામના રસ્તાઓ તૂટી જવાના કારણે ગ્રામજનો દ્વારા આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આખરે ગ્રામજનોએ રેત માફિયા વિરૂદ્ધ દેવગઢબારિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા પ્રાંત અધિકારી દ્વારા આ અંગેની જાણ ખનીજ વિભાગને કરતા ખનીજ વિભાગ જાણે સફાળુ જાગ્યું હોય તેમ ભૂલવણ ગામે પહોંચી તપાસ હાથ ધરી છે.
ત્યારે ખનીજ વિભાગ દ્વારા જે સરકારી જમીનમાં રેતી ખનન કરવા માટે જે ખોદકામ કરવા માટે આવ્યું છે, તે જમીન તપાસી ગ્રામજનો ને વધુ કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી મોટા પાયે ચાલતા આ ગેરકાયદેસર રેતી ખનન થી ખનીજ વિભાગ અજાણ હશે કે પછી આંખ આડા કાન તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ હજારો ટન સરકારી જમીન માંથી સફેદ રેતીનો ગેરકાયદેસર કાળો કારોબાર કરનાર ખનન માફિયા ઉપર સકંજો કસવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
ભૂલવણ ગામે જે સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારનું ગ્રામજનો દ્વારા નામ જોગ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે તે ભાજપના એક રાજકીય નેતાનું નામ હોવાથી તંત્ર તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ.
ખનીજ વિભાગની ટીમ રોજે રોજ દેવગઢ બારીયા તાલુકામાં આટા ફેરા કરતી જોવા મળે છે. ત્યારે તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે, તેની ઉપર ખનીજ વિભાગની મીઠી નજર કે પછી અજાણ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.