દે.બારીયાના ભથવાડા ટોલનાકા પાસે ચેકીંંગ દરમિયાન બાઈક સવાર ઈસમ અને બાળકિશોર પાસેથી દેશી બનાવટની એરગન, ચપ્પુ મળી 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલીસે ઈ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક મોટરસાઈકલ પર સવાર ઈસમ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર પાસેથી દેશી બનાવટની એરગન, એક ચપ્પુ તથા ચોરીની મોટરસાઈકલ મળી કુલ રૂા. 25,510ના મુદ્દામાલ સાથે બંન્નેને ઝડપી પાડ્યાં હોવાનું જાણવા મળે છે.

ગતરોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ સવાર બે વ્યક્તિઓ જોવાતાં પોલીસે બંન્નેને રોક્યાં અને તેઓની અંગ ઝડતી કરતાં બહાદુરભાઈ સાદરભાઈ રાવત (ખેરીયાપાડા, તા. કુશલગઢ, જી. બાંસવાડા, રાજસ્થાન) પાસેથી દેશી બનાવટની એરગન તથા એક ચપ્પુ કબજે કર્યુ હતું. ત્યારે બીજી તરફ પોલીસે મોટરસાઈકલ મામલે તપાસ કરતાં મોટરસાઈકલ ચોરી હોવાનું સામે આવ્યું હતું અને મોટરસાઈકલ મધ્યપ્રદેશના રતલામ જીલ્લામાંથી ચોરી કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ઉપરોક્ત ઈસમ સહિત તેની સાથે કાયદાના સંઘર્ભમાં આવેલ એક બાળ કિશોરની પણ અટકાયત કરી બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.