દે.બારીયાના ભથવાડા ટોલનાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતો 17.89 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલકાના પરથી પીપલોદ પોલીસે અધધ કહી શકાય એટલો રૂા. 17,89,572/-ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક ઝડપી પાડી ટ્રકના ચાલક તેમજ ક્લીનરની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.32,00572/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાતાં ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમઝેલ થઈ રહી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય તેમ છે.

દાહોદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ, વિદેશી દારૂની હેરાફેરી, નાસતા ફરતાં, જુગારની પ્રવૃતિઓ, વોન્ટેડ આરોપીઓ વિગેરે ગુન્હાઓ સબબ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની પોલીસને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપતાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આવા ગુન્હાઓને ડામવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે દેવગઢ બારીઆની પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ભથવાડા ટોલનાકા પાસેથી નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બંધ બોડી ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ. 507 જેમાં કુલ બોટલો નંગ. 9612 જેની કુલ કિંમત રૂા. 17,89,572/-ના પ્રોહી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.32,00,572/-નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ટ્રકના ચાલક ભેમારામ જેઠારામ ચૌધરી અને ક્લીનર મોહનરામ ઘમડારામ ચૌધરી (બંન્ને રહે. રાજસ્થાન)ની પોલીસે અટકાયત કરી હતી. આ સંબંધે પીપલોદ પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.