દે.બારીઆના બૈણા ગામે વચલા ફળિયા પ્રાથમિક શાળામાં બાળકો છેલ્લા સપ્તાહથી શિક્ષણથી વંચિત

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના બૈણા ગામની વચલા ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વાલીઓની જાણ બહાર બાળકોના મનસ્વી પણે અન્ય શાળામાં એડમીશન કરાવી દેતા વાલીઓએ આચાર્યની બદલીની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી તેમના બાળકોને શાળામાં મોકલવાનુ બંધ કરી દીધુ હતુ. પરંતુ આજ સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રશ્ર્નનુ નિરાકરણ નહિ લવાતા હાલ બાળકો અભ્યાસથી વંચિત જોવા મળી રહ્યા છે.

બૈણા ગામના જુના ફળિયા પ્રા.શાળાના આચાર્ય દ્વારા બાળકોની શિષ્યવૃત્તિ નહિ ચુકવાતા વાલીઓ દ્વારા શાળામાં તપાસ કરતા શાળાના 6 જેટલા બાળકોનુ અન્ય શાળામાં એડમીશન કરાવાઈ ગયુ હોવાનુ સામે આવ્યુ હતુ. જે બાબતે તપાસ કરતા આ એડમીશન શાળાના આચાર્ય દ્વારા કરાવાયુ હોવાનુ બહાર આવ્યુ હતુ જેથી વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ સિવાય પ્રજાસત્તાક દિવસે પણ ગામની દિકરીના હસ્તે ઘ્વજવંદન કરાવવાના પરીપત્રનુ ઉલ્લંધન કરી ગામના અગ્રણિના હસ્તે ઘ્વજવંદન કરાવાયુ હતુ. આ તમામ બાબતોને લઈને વાલીઓએ આચાર્યની બદલીની માંગ સાથે બાળકોને શાળામાં મોકલવાના બંધ કરી દીધા હતા. જેને લઈને અન્ય વાલીઓએ પણ તેમના બાળકોને શાળામાં મોકલવાના બંધ કરી દેતા હાલ બાળકો શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે. તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નહિ લેવાતા બાળકોનુ શિક્ષણ અંધકારમય દેખાઈ રહ્યુ છે.