દે.બારીયાની અસાયડી ગામે ફોર વ્હીલ ચાલક સીંગો વેચતા ઈસમને અડફેટમાં લઈ મોત નિપજાવ્યું

દાહોદ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલની સામે હાઈવે રોડ પર પુરપાટ દોડી આવતી ફોરવ્હીલ ગાડીના ચાલકની ગફલતને કારણે સરગવાની સીંગો વેચી રહેલા ઈસમને અડફેટમાં લઈ પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના સરગવાની સીંગો વેચનાર ઈસમને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

એક ફોરવ્હીલ ગાડીના ચાલક તેના કબજાની જીજે-6-પીએ-0121 નંબરની ફોરવ્હીલ ગાડી પરમ દિવસ તા. 24-2-2023ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી પીપલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલની સામે હાઈવે રોડ પર સરગવાની સીંગો વેચનાર અસાયડી ભુત ફળિયાના મંગળસિંહ માવસિંહ પટેલને અડફેટમાં લઈ માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાના કબજાનું ફોરવ્હીલ વાહન સ્થળ પર ંમૂકી નાસી ગયો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત મંગળસિંહ માવસિંહ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ સંબંધે અસાયડી ગામે ભૂત ફળિયામાં રહેતા બળવંતભાઈ મગનભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ફોરવ્હીલ વાહનના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેનો નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરી પોલીસે તેના ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.