દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક 55 વર્ષિય આધેડ વ્યક્તિના ખિસ્સામાં મુકી રાખેલ રોકડા રૂપીયા 1,00,000 કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા વ્યક્તિને રીક્ષામાં બેસાડી રસ્તામાં રીક્ષામાં વ્યક્તિના ખિસ્સામાં વ્યક્તિની નજર ચુકવી 1,00,000 રોકડા કાઢી લઈ રીક્ષા લઈ ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.08મી મેના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ઉંચવાસ ગામે નેશ ફળિયામાં રહેતાં 55 વર્ષિય આધેડ રમેશભાઈ વેચાતભાઈ વાઘરી દેવગઢ બારીઆ નગરમાં આવ્યાં હતાં અને દેવગઢ બારીઆ નગરમાં ગૌરાંગભાઈ પંડ્યા (જલારામ મેડીકલ સ્ટોર) પાસેથી રૂા.1,00,000 હાથ ઉછીના લઈને પોતાના પેન્ટના ખિસ્સામાં આ રોકડા રૂપીયા મુકી ચાલતા ચાલતાં પોતાના ઘરે જઈ રહ્યાં હતાં તે વખતે રસ્તામાં દેવગઢ બારીઆની સમડી સર્કલથી થોડે દુર છોટાઉદેપુર રોડ ઉપર ગેરેજની દુકાનોની સામે બે અજાણ્યા ઈસમો રીક્ષા લઈ આવ્યાં હતાં અને રમેશભાઈને કહેલ કે, મરાજા તમો બહુ દિવસે મળ્યાં, તમારે ક્યાં જવાનું છે ? તેમ કહેતાં રમેશભાઈએ કહેલ કે, મારે ભુવાલ જવાનું છે, તેમ કહેતાં બે અજાણ્યા ઈસમોએ રમેશભાઈને કહેલ કે, અમો પણ ભુવાલ જ જઈએ છીએ, તેમ કહી રમેશભાઈને રીક્ષામાં બેસાડી રીક્ષામાં પાછળ બેઠેલ એક અજાણ્યા ઈસમે રમેશભાઈના ખોળામાં પડી રમેશભાઈના ખિસ્સામાંથી રોકડા રૂપીયા 1,00,000ની ચોરી કરી લઈ બીજા માણસોને લેવા જવાનું છે, તેમ કહી રમેશભાઈને રસ્તામાં રીક્ષામાંથી ઉતારી દીધાં હતા. ત્યારે રસ્તામાં ઉતર્યા બાદ રમેશભાઈએ પોતાના ખિસ્સામાં તપાસ કરતાં રોકડા રૂપીયા 1,00,000 નહીં જોવા મળતાં અને રીક્ષામાં આવેલા બે અજાણ્યા ઈસમો પોતાના રૂપીયા લઈ નાસી ગયાં હોવાનું માલુમ પડતાં આ સંબંધે રમેશભાઈ વેચાતભાઈ વાઘરીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.