દે.બારીઆના પીપલોદ ગામે પ્રેમ પંખીડાએ કુવામાં ઝંપલાવી આપધાત કરતાં ચકચાર

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક 22 વર્ષિય યુવક અને એક 15 વર્ષિય સગીરાએ પ્રેમ પ્રકરણમાં ગામમાં આવેલ એક કુવામાં ઝંપલાવી દેતાં બંન્ને પ્રેમી પંખીડાઓના મોતને પગલે પંથકમાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ત્યારે ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં રહેતાં 22 વર્ષિય સંજયભાઈ નાનસીંગભાઈ પરમાર અને હિન્દોલીયા ગામે મોટા ફળિયામાં રહેતાં 15 વર્ષિય સુનતાબેન કાંતીભાઈ વાદી બંન્ને વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમ પ્રકરણ હતો. ત્યારે આજરોજ આ બંન્ને પ્રેમી પંખીડાએ અગમ્યકારણોસર પીપલોદ ગામે પરમાર ફળિયામાં આવેલ એક કુવામાં મોતની છલાંગ લગાવતાં બંન્ને પ્રેમી પંખીડાઓના મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર યુવક અને સગીરાના પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ સંબંધે પીપલોદ પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.