દે.બારીઆ, દે.બારીઆ પાલિકા વિસ્તારમાં કયાંક કયાંક પાણીની પાઈપલાઈન રિપેરીંગ માટે ખોદવામાં આવેલ ગટરમાં પાણી ભરાઈ જતા કામગીરી આજે ઠપ્પ થઈ ગઈ હતી. ભુગર્ભ ગટરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા કયાંક કયાંક ગટરોના ઢાંકણા ચાલુ વરસાદમાં ખોલવાની જરૂરી પડી હતી.
દે.બારીઆ પાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા હજુ ઉનાળો પુરો નહિ થયો હોય તેવુ માની પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં વિલંબ થતાં ચોમાસુ વરસાદના પહેલા વરસાદમાં પાલિકાની પોલ ખુલી ગઈ હતી. બજાર વિસ્તારના કેટલાય ભાગોમાં પાણીનો નિકાલ નહિ થતાં ગંદકી અને કચરાના પણ ઢગ રોડ સાઈડમાં જામી ગયા હતા. દે.બારીઆના ટાવરથી પીપલોદ તરફ જતા સ્ટેટ હાઈવે રોડ પર પડેલા ખાડા હજુ પણ દુરસ્ત નહિ થતાં વરસાદના પાણીમાં રોડ ઉપરના ખાબોચિયા પાણીથી ભરાઈ જતા બાઈક ચાલકોને હાડમારીનો સામનો કરવુ પડ્યુ હતુ. બસ સ્ટેન્ડ વિસ્તારના ધર્મશાળા રોડ, સમડી સર્કલ રોડ, સરકારી દવાખાના આગળ, તાલુકા પંચાયત જવાના રોડ ઉપર જયાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યુ હતુ.