દે.બારીઆ, દે.બારીઆ રમત-ગમત સંકુલ ખાતે સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલા 200થી વધુ કોનોકાર્પસના વૃક્ષ કાપી તેને દુર કર્યા છે.
દે.બારીઆ રમત-ગમત સંકુલમાં બે વર્ષ અગાઉ સંકુલની શોભા વધે તેમજ વધુ વૃક્ષોના કારણે સંકુલ હરિયાળુ બની રહે તેને લઈ આ સંકુલમાં બે વર્ષ અગાઉ 250 જેટલા કોનોકાર્પસ વૃક્ષ રોપ્યા હતા. આ વૃક્ષનુ જતન કરી બે વર્ષમાં જાણે વૃક્ષોની હારમાળા સમાન બની હરિયાળુ સંકુલ જોવા મળી રહ્યુ હતુ. આ પછી આ વૃક્ષ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેમ હોય જેનાથી ડાયાબીટીસ, અસ્થમા એલર્જી જેવા રોગો થતાં હોય છે. સરકાર દ્વારા વૃક્ષ ઉપર પ્રતિબંધ મુકતા સંકુલમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં બાળકો અને સ્ટાફ મળી 200 લોકો રહેતા હોય તેમજ રમત-ગમત સંકુલમાં નગરજનો મોટી સંખ્યામાં રમત-ગમતના મેદાનમાં કસરત કરતા તેમજ વોકિંગ માટે સવાર-સાંજ મોટી સંખ્યામાં આવતા હોય છે. તેઓના સ્વાસ્થ્યને વૃક્ષથી નુકસાન થાય તેમ જણાઈ આવતા રમત-ગમત સંકુલના સિનીયર કોચ દ્વારા વૃક્ષો દુર કરવા માટે ઉચ્ચ સ્તરેથી મંજુરી લઈ તમામ કોનોકાર્પસના વૃક્ષોને દુર કરાવવાની કામગીરી હાથ ધરી હતી.