દે.બારીઆમાં પરિણિતાની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા

લીમખેડા, દે.બારીઆ શહેરના ધાનપુર રોડ વિસ્તારમાં રહેતી જેબાબેન અમીરખાન પઠાણના અગાઉ થયેલા લગ્ન સંસારમાં એક પુત્ર તથા બે પુત્રીઓ હતી. જે તેના અગાઉના પતિ સાથે રહેતા હતા જેમાં બેન એના પુત્રને ધરે લાવવા માટે પતિ તથા સસરા-સાસુને વારંવાર જણાવતી હતી. ગત 15મી ઓગસ્ટ 2020ના રોજ પણ આ બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા આમીરખાન હમીદખાન પઠાણે તેની પત્નિ જેબાબેનને ચપ્પાના ધા મારી મોતને ધાટ ઉતારી દીધી હતી. આ ધટનામાં આમીરખાનના પિતા, ભાઈ, ભાભી વગેરે પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરી હતી. દે.બારીઆ પોલીસે સમગ્ર કેસ પુરાવાઓ સાથે લીમખેડા સેશન્સ કોર્ટમાં તબદીલ કર્યો હતો. જે કેસ એમ.એ.મીર્ઝા ત્રીજા એડિ.સેશન્સ જજ લીમખેડાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શૈલેષભાઈ તડવીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી લીમખેડા સેશન્સ કોર્ટે આરોપી આમીરખાન હમીદખાન પઠાણને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ તેમજ દંડ નહિ ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરી પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેના પિતા હમીદખાન પઠાણ, માતા કરામતબાનુ પઠાણ, ભાઈ રહીશખાન ઉર્ફે રઈસખાન પઠાણ, ભાભી નીલોફર પઠાણને ત્રણ વર્ષની કેદની સજા તથા પાંચ-પાંચ હજાર રૂપિયા દંડનો હુકમ કરતા લીમખેડા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.