- સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનો કાર્યક્રમ 6 તારીખે યોજાશે.
દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધામાં પાંચ રમતોનો સમાપન સમારોહ યોજાનાર છે. જેમાં 1300 ખેલાડીઓની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને શિલ્ડ એનાયત કરવામાં આવશે. ત્યારે બીજી તરફ 6 જાન્યુઆરીના રોજ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ છે.
તારીખ 30 ડિસેમ્બરથી દાહોદ લોકસભા વિસ્તારમાં ત્રીજી સાંસદ ખેલ સ્પર્ધાની શરૂઆત કરવામા આવી હતી. આ સાંસદ ખેલ સ્પર્ધામાં પાંચ રમતોનો સમાપન સમારોહ તારીખ-5 જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆ સ્પોર્ટસ કોમ્પલેક્ષ મુકામે સાંજે-4 કલાકે યોજાનાર છે. આ સમાપનમા રાજયમંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેનાર છે, તેમજ ભાગ લેનાર 1300 ખેલાડીઓ પણ હાજર રહેશે અને ઉત્કૃષ્ઠ દેખાવ કરનારને શિલ્ડ એનાયત કરવામાં આવનાર છે. બીજી તરફ બીજા દિવસે તારીખ-6 જાન્યુઆરીના રોજ દાહોદ સીટી ગ્રાઉન્ડ પર સાંજે-6 કલાકે ક્રિકેટ અને વોલીબોલની ફાઈનલ મેચોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે. ઉપરાંત આ જ દિવસે 6 જાન્યુઆરીના રોજ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલ કિશોરીની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકે ભજન, લોક સંગીત, વાંસળી વાદન, હારમોનીયમ, તબલા અને ઢોલ વાદ્યની સ્પર્ધા યોજાનાર છે. સવારે 11 :00 કલાકે નગરાળા ઉત્તર બુનીયાદી આશ્રમ શાળામાં લોક નૃત્ય અને રાસ ગરબાની સ્પર્ધા યોજાનાર છે. આ સાંસ્કૃતિક સ્પર્ધામાં 400 જેટલા કલાકારો ભાગ લેનાર છે. આમ, આવનાર બે દિવસમા સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આવા કાર્યક્રમોના માધ્યમથી રમતવીરો તેમજ કલાકારોને એક મંચ ઉપલબ્ધ થવાની સાથે પ્રોત્સાહિત પણ કરી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓના કાર્યકાળ દરમિયાન ગુજરાતમા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતનું સૂત્ર આપ્યુ હતું. તેઓએ દેશના પ્રધાન મંત્રી બન્યા બાદ પણ સમગ્ર ભારતમાં ખેલ કુદ અને કલાને પ્રોત્સાહિત કરવા સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાના આયોજનો યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના માધ્યમથી દેશભરમા કરવામા આવી રહ્યા છે.