દે.બારીઆ શહેરમાંથી પસાર થતી રોયલ્ટી પાસ વગરની રેતી ભરેલ ટ્રકો દાહોદ ખાણ ખનીજ વિભાગની તપાસ આવતા કઈ રીતે છુમંતર થાય છે તે તપાસનો વિષય છે. દરરોજ હજારો ટન સફેદ રેતી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે હેરાફેરી થતી હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકામાં પાનમ અને ઉજજવળ એમ બે નદીમાં સફેદ રેતીનો વિપુલ જથ્થો આવેલ હોય આ નદી કાંઠાના અમુક ગામડા જેવા કે, બૈણા, જુના બારીયા, ઉંચવાણ, ચેનપુર, રામા, વિરોલ, રાતડીયા, લવારીયામાં કયાંક કયાંક રેતીની કાયદેસરની લીઝની મંજુરી સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા આપેલ છે. જયારે અમુક જગ્યાએ કોઈપણ જાતના પરમીશન વગર રેતી ખનન કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી છે. જે જગ્યાએ રેતીની લીઝ આવેલ છે. ત્યાં ધણીવાર રેતી અન્ય જગ્યાએથી ટ્રકમાં ભરી લાવીને રોયલ્ટી પાસ અપાતી હોવાની જાણકારી મળી છે. જયારે ધણીવાર કોઈપણ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો અન્ય રાજયમાં પણ પહોંચતી હોય છે. રોયલ્ટી પાસે નહિ હોવાના કારણે સરકારની તિજોરીને મોટી ખોટ થઈ રહી છે. દે.બારીઆ તાલુકામાં ખાણ ખનીજ વિભાગ તપાસમાં આવતા ગેરકાયદે રેતી વહન કરતા ટ્રક ચાલક રેતી ભરેલી ગાડીઓ કયાંક છુપાવી દેતા હોય છે. રેતી માફિયાઓને માહિતી મળી જતી હોય ધણીવાર રેતી ભરવા નદીમાં ગયા હોય ત્યાંથી પણ બહાર નીકળી જતા હોય છે. ત્યારે રેતી માફિયાઓ દ્વારા મોબાઈલોમાં ગૃ્રપ બનાવી અધિકારીઓની જાસુસી થતી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જેથી ખનીજ વિભાગ દે.બારીઆ વિસ્તારમાં આવતા જ રેતીનો કાળો કારોબાર કરનારાઓને માહિતી મળી જતી હોય છે.