દે.બારીયા કાપડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસે રેઈડ કરી 16 જુગારીયાઓને 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

દાહોદ, જુગાર માટે હંમેશા વિવાદમાં રહેલા દેવગઢ બારીઆ કાપડી વિસ્તારમાં ધોળે દહાડે ધમધમી રહેલા જુગારધામ પર દેવગઢ બારીઆ પોલીસે ત્રાટકી 16 જેટલા જુગારીયાઓને રોકડ, મોબાઈલ તેમજ પત્તાની કેટ મળી રૂપિયા 63 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં ખાંડા ફળીયામાં જાહેરમાં કેટલાક જુગારીયાઓ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી દે.બારીયા પોલીસને મળી હતી. જે બાતમીને આધારે ગઈકાલે સવારે સાડા અગ્યાર વાગ્યાના સુમારે દેવગઢ બારીઆ પોલીસની ટીમ બાતમીવાળી જગ્યાએ રમાતા જુગાર પર ઓચિતો છાપો મારતાં જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી જતાં પોલીસે તેઓને ચારે બાજુ કોર્ડન કરી ઘેરી લઈ જુગાર રમી રહેલા કાપડીના અયુબભાઈ અબ્દુલ્લા ચાંદા, સુલતાનભાઈ હુસેનભાઈ પટેલ, ખાંડા ફવીયાના શબ્બીરભાઈ મજીતભાઈ ખાંડા, દેવગઢ બારીઆના અજીતભાઈ નાનાભાઈ બાંડીબારીયા, કાપડીના સલમાનભાઈ એહમદભાઈ ખાંડા, યાકુબભાઈ સત્તારભાઈ ચાંદા, સાદીકભાઈ મહંમદભાઈ ઘાંચી, ફીરોજભાઈ કયુમ બાંડીબારીયા, સોયેબભાઈ એહમદભાઈ ખાંડા, સીદ્દીકભાઈ ફારૂકભાઈ ખાંડા, મજીતભાઈ રસુલભાઈ રહીમવાલા, ડાંગરીયા ગામના છગનભાઈ સબુભાઈ કોળી, દે.બારીયા કાપડીના હકીમભાઈ મજીતભાઈ ખાંડા, ગોધરાના સોકતભાઈ મજીતભાઈ છોડા, કાપડીના સત્તારભાઈ યુસુફભાઈ ઘાંચી તથા ઈમરાનભાઈ મજીતભાઈ કડવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી અલગ અલગ દરની ચલણી નોટો અંગઝડતી માંથી તથા દાવ પરથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂા.18,065ની રોકડ તથા રૂપિયા 45,500ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-10 તથા પત્તા પાના નંગ-104 મળી કુલ રૂપિયા 63, 565નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ લઈ પકડાયેલા ઉપરોક્ત 16 જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.