દે.બારીયા તાલુકાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરવામાં આવી

  • ઉનાળાની ઋતુમાં વન્યપ્રાણીઓ પાણી માટે માનવ વસ્તીમાં આવી જતા હવે માનવજાત માટે જોખમ ટળશે.

દાહોદ,પ્રાપ્ત વિગતો મુજબ ઉનાળા ની શરૂઆત થઈ ચૂકી છે જેથી જંગલ વિસ્તાર માં વસતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે જંગલ નજીક કોઈ નદી, કોતર કે તળાવ તેમજ પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત નહીં મળતા વન્યપ્રાણીઓ માનવ વસ્તી તરફ ઘસી આવતા હોય છે અને ઘણીવાર માનવ અને વન્યજીવ ઘર્ષણ થવાના બનાવો પણ બનતા હોય છે. જેથી આવા બનાવો માં ઘટાડો થાય તે માટે વન વિભાગ બારીયા ના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ બારીયાના પરિક્ષેત્ર વનાધિકારી આર.એમ.પુરોહિત અને સ્ટાફના વનકર્મીઓ દ્વારા દેવગઢ બારીયા તાલુકાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કૃત્રિમ પાણીના 50 જેટલા અલગ અલગ સ્ત્રોતોને દર અઠવાડિયે સફાઈ કરી પાણી ભરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો

દેવગઢ બારીયા રેન્જમાં કુલ 6500 હેક્ટર અને સાગટાળા રેન્જમાં 8600 હેકટર જમીન જંગલ વિસ્તારમાં આવેલ છે. જેમાં કેટલીય જાતના વન્યપ્રાણી અને પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ઉનાળા માં પીવાનું પાણી મળવું મુશ્કેલ હોય ત્યારે પાણી માટે વન્ય પશુપક્ષી વલખાં મારતા હોય છે. વન વિભાગ બારીયા દ્વારા દેવગઢ ડુંગર વિસ્તાર સહીત ઉંચવાણ, મેન્દ્રા, કુવા, સિંગોર,પંચેલા, અસાયડીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તેને માટે 50 જેટલાં હવાડા બનાવવા માં આવ્યા છે અને વન્ય પ્રાણીઓની હાજરી ચકાસવા ટ્રેપ કેમેરા પણ મૂકવામાં આવે છે, જે વન્યપ્રાણી પાણીના સ્રોત પર પાણી પીવા આવે ત્યારે તેના બોડી ટેમ્પરેચર પર થી ઓટોમેટિક તેનો ફોટો પડી જાય.

આમ, સમગ્ર ઉનાળા દરમિયાન દેવગઢબારીયા તાલુકાના જંગલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો પાણી થી ભરેલા રહે તે માટે દરેક રેન્જના આર.એફ.ઓ.ને સુનિશ્ચિત જવાબદારી સોંપવામાં આવેલ હોવાનું વન વિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારે જણાવ્યું હતું.