દે.બારીઆ જંગલમાં વન્યપ્રાણીઓ માટે પાણીની સુવિધા ઉભી કરાઈ

દે.બારીઆ, પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે જેથી જંગલ વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે જંગલ નજીક કોઈ નદી, કોતર કે તળાવ તેમજ પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત નહિ મળતા વન્યપ્રાણીઓ માનવ વસ્તી તરફ આવતા હોય છે. અને ધણીવાર માનવ અને વન્યજીવના ધર્ષણ થવાના બનાવો પણ બનતા હોય છે. જેથી આવા બનાવોમાં ધટાડો થાય તે માટે વનવિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ વનવિભાગ બારીયાના પરીક્ષેત્ર વનાધિકારી આર.એમ.પુરોહિત અને સ્ટાફના વનકર્મીઓ દ્વારા દે.બારીઆ તાલુકાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે કૃત્રિમ પાણીની કુંડી, હોજ સ્વરૂપે 50 જેટલા અલગ અલગ સ્ત્રોતોને દર અઠવાડિયે સફાઈ કરી પાણી ભરવાની કામગીરીનો આરંભ કરાયો છે.

દે.બારીઆ રેન્જમાં કુલ 6500 હેકટર અને સાગટાળા રેન્જમાં 86000 હેકટર જમીન વિસ્તારમાં આવેલ છે. જેમાં કેટલીય જાતના વન્યપ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે. ઉનાળામાં પીવાનુ પાણી મળવુ મુશ્કેલ હોય ત્યારે પાણી માટે વન્ય પશુ-પક્ષી વલખા મારતા હોય છે.વનવિભાગ બારીયા દ્વારા દેવગઢ ડુંગર વિસ્તાર સહિત ઉંચવાણ, મેન્દ્રા, કુવા, સીંગોર, પંચેલા, અસાયડીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તેના માટે 50 જેટલા હવાડા બનાવવામાં આવ્યા છે. અને વન્યપ્રાણીઓની હાજરી ચકાસવા ટ્રેપ કેમેરા પણ મુકવામાં આવે છે. જે વન્યપ્રાણી પાણીના સ્ત્રોત પર પાણી પીવા આવે ત્યારે તેના બોડી ટેમ્પરેચર પરથી ઓટોમેટિક તેનો ફોટો પડી જાય છે.આમ સમગ્ર ઉનાળા દરમિયાન દે.બારીઆ તાલુકાના જંગલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો પાણીથી ભરેલા રહે તે માટે દરેક રેન્જના આરએફઓને સુનિશ્ર્ચિત જવાબદારી સોંપવામાં આવેલ હોવાનુ વનવિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારે જણાવ્યુ હતુ.